News of Thursday, 19th February 2026
બટુક બ્રાહ્મણોની 'શિખા' ખેંચાતા ધર્મયુદ્ધ! પ્રયાગરાજથી લખનૌ સુધી ઉકળતો ચરુ: શું આ ભૂલ સરકારને ભારે પડશે?
માઘ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો સાથે પોલીસની ગેરવર્તણૂકે મચાવ્યો હોબાળો : બ્રાહ્મણત્વના પ્રતીક સમાન 'શિખા'નું અપમાન થતા ડેપ્યુટી સીએમ મેદાનમાં

પ્રયાગરાજ: સંગમ નગરી પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાના પવિત્ર પર્વે જે આધ્યાત્મિક શાંતિ હોવી જોઈતી હતી, તે અત્યારે રાજકીય અને ધાર્મિક આક્રોશમાં ફેરવાઈ ગઈ છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે પોતાની પાલખી સાથે સંગમ સ્નાન માટે નીકળ્યા, ત્યારે કથિત રીતે પોલીસે તેમને અટકાવ્યા એટલું જ નહીં, પણ તેમની સાથે રહેલા 'બટુક બ્રાહ્મણો' સાથે ખેંચતાણ કરી હતી. શંકરાચાર્યનો ગંભીર આરોપ છે કે પોલીસે આ યુવાન બ્રાહ્મણોની 'શિખા' (ચોટલી) પકડીને તેમને અપમાનિત કર્યા હતા. હિન્દુ શાસ્ત્રોમાં બ્રાહ્મણની શિખાને તેની શક્તિ અને સંસ્કારનું કેન્દ્ર માનવામાં આવે છે, અને તેનું અપમાન એ સમગ્ર સનાતન પરંપરા પર પ્રહાર સમાન ગણાય છે.
બટુક બ્રાહ્મણ એટલે એવા કુમળી વયના બ્રાહ્મણ કુમારો જે સંસારના મોહ-માયા ત્યજીને ગુરુકુળોમાં કઠિન બ્રહ્મચર્યનું પાલન કરે છે. ૨૫ વર્ષની ઉંમર સુધી વેદ-વેદાંગોનું શિક્ષણ મેળવતા આ બટુકો હાથમાં 'દંડ' (લાકડી) ધારણ કરે છે, જે આત્મસંયમનું પ્રતીક છે. આ સાત્વિક જીવન જીવતા વિદ્યાર્થીઓ સાથે થયેલા વ્યવહારથી સાધુ-સંતોમાં ભારે રોષ છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આ મામલે મધ્યસ્થી કરી છે અને બટુકોની મુલાકાત લઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "બ્રાહ્મણની શિખા ખેંચવી એ ઘોર પાપ છે," અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખનૌના રાજકીય ગલીયારાઓમાં પણ આ મુદ્દે ગરમાવો છે. વિપક્ષ આ ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યો છે, જ્યારે શાસક પક્ષ બ્રાહ્મણ મતદારોની નારાજગી ટાળવા માટે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયો છે. માઘ મેળો એ શ્રદ્ધાનો કુંભ છે, પરંતુ વહીવટીતંત્રની અણસમજને કારણે શંકરાચાર્ય જેવા સર્વોચ્ચ ધર્મગુરુના શિષ્યોનું અપમાન થવું એ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે. સોશિયલ મીડિયા પર 'બ્રાહ્મણ અસ્મિતા'ના નામે ચાલી રહેલી ઝુંબેશ આગામી દિવસોમાં સરકાર માટે મોટી મુસીબત બની શકે છે. હાલમાં એડીએમ કક્ષાની તપાસ ચાલી રહી છે, પરંતુ સંતોની માંગ છે કે જ્યાં સુધી માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન શમશે નહીં.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
