News of Thursday, 19th February 2026
"યુનાઈટેસ ઓફ અમેરિકા?" : પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અંગ્રેજીનું કચુંબર કાઢ્યું : શાહબાઝ શરીફની અમેરિકા યાત્રા પહેલા જ આખા વિશ્વમાં થઈ થૂ-થૂ!
સ્પેલિંગ મિસ્ટેક કે બુદ્ધિનું પ્રદર્શન? વિદેશ મંત્રાલયની સત્તાવાર નોટમાં 'United' અને 'America' ના સ્પેલિંગ ખોટા લખતા પાકિસ્તાની નેટીઝન્સ પણ શરમાઈ ગયા : ટ્રમ્પના શાંતિ બોર્ડમાં જતા પહેલા જ પાકિસ્તાને પોતાની મજાક જાતે જ બનાવી

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને વિવાદોનો જૂનો નાતો છે, પરંતુ આ વખતે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જે ફજેતી કરાવી છે તે કોઈ રાજકીય કાવતરું નહીં પણ તેની પોતાની અજ્ઞાનતાનું પરિણામ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વોશિંગ્ટન જઈ રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ઉતાવળમાં એક સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરી. આ નોટની હેડલાઇનમાં જ 'United States' ને બદલે "Uniteds" અને 'America' ના સ્પેલિંગમાં પણ લોચા મારીને "Amercia" લખી દેવામાં આવ્યું. દેશના વિદેશ મંત્રાલય જેવા ઉચ્ચ સ્તરીય વિભાગ તરફથી આવી પાયાની ભૂલ થતા સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ પૂછવાનું શરૂ કર્યું છે કે, "શું પાકિસ્તાનમાં અંગ્રેજી જાણનારા બધા દેશ છોડીને ભાગી ગયા છે?"
સોશિયલ મીડિયા પર આ પત્ર વાયરલ થતાની સાથે જ મજાક અને મીમ્સનું પૂર આવ્યું છે. લોકોએ ટિપ્પણી કરતા લખ્યું કે, પાકિસ્તાની સરકાર કદાચ દેવામાં એટલી ડૂબેલી છે કે હવે સ્પેલિંગમાંથી અક્ષરો પણ ઓછા કરવા લાગી છે. એક યુઝરે તો ત્યાં સુધી લખી દીધું કે, "શાહબાઝ શરીફ અમેરિકા જઈને શાંતિની વાત કરશે કે અંગ્રેજીના ટ્યુશન લેશે?" અગાઉ પણ શાહબાઝ શરીફે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વખતે ટ્વીટમાં આવી જ વ્યાકરણની ગંભીર ભૂલ કરી હતી, જેને કારણે તેમની ઘણી મજાક ઉડી હતી. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ભૂલ કરીને પાકિસ્તાને સાબિત કરી દીધું છે કે ગંભીર રાજદ્વારી નોંધ લખતી વખતે પણ તેઓ બેદરકારીની સીમા વટાવી શકે છે.
શાહબાઝ શરીફ સાથે નાયબ વડાપ્રધાન ઇશાક દાર અને નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ જેવી મોટી ફોજ અમેરિકા પહોંચી છે, પરંતુ આ સત્તાવાર 'ટાઈપો'એ મુલાકાતની ગંભીરતા ઘટાડી દીધી છે. જ્યારે કોઈ દેશનો વડાપ્રધાન સુપરપાવર અમેરિકાની મુલાકાતે જતો હોય ત્યારે વિદેશ મંત્રાલયની દરેક નોટ ક્રોસ-ચેક થતી હોય છે, પરંતુ પાકિસ્તાનના કિસ્સામાં એવું લાગે છે કે બધું રામભરોસે ચાલે છે. હવે જ્યારે આખી દુનિયામાં પાકિસ્તાનનું અપમાન થઈ રહ્યું છે, ત્યારે વિદેશ મંત્રાલય આ ભૂલ માટે કોનો ભોગ લેશે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પાકિસ્તાનને દુશ્મનોની જરૂર નથી, તેના પોતાના સરકારી વિભાગો જ તેને બદનામ કરવા માટે પૂરતા છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
