News of Thursday, 19th February 2026
મનોજ બાજપેયીની ફિલ્મ 'ઘુસખોર પંડિત'ના વિવાદ પર સુપ્રીમ કોર્ટની અંતિમ મહોર: મેકર્સને મળી મોટી રાહત, હવે નહીં નોંધાય નવી FIR
ફિલ્મનું વિવાદાસ્પદ ટાઇટલ અને પોસ્ટર પાછું ખેંચાયું: "કોઈપણ જ્ઞાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો" તેમ કહી મેકર્સે કોર્ટમાં માફી માંગી

મુંબઈ, તા. ૧૯: છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ઘુસખોર પંડિત' તેના નામ અને પોસ્ટરને લીધે વિવાદોના વંટોળમાં ફસાયેલી હતી. જોકે, આજે સુપ્રીમ કોર્ટે આ વિવાદનો કાયમી નિકાલ કરતા ફિલ્મ નિર્માતાઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે આ વિવાદ સંબંધિત અરજીઓનો નિકાલ કર્યો છે અને આદેશ આપ્યો છે કે હવે આ મામલે કોઈ નવી FIR દાખલ કરવામાં આવશે નહીં.
અભિવ્યક્તિની આઝાદી અને જવાબદારી
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતાઓને આકરો ઠપકો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે કોઈ ચોક્કસ સમુદાયને નીચું દેખાડો." કોર્ટના કડક વલણ બાદ, ફિલ્મ સાથે જોડાયેલી તમામ પ્રમોશનલ સામગ્રી, પોસ્ટરો અને ટ્રેલર સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા હતા.
મેકર્સે સોગંદનામું રજૂ કરી માંગી માફી
ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું (Affidavit) દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફિલ્મ માત્ર એક કાલ્પનિક પોલીસ ડ્રામા છે અને તેનો હેતુ કોઈ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયની લાગણી દુભાવવાનો કે તેમને ભ્રષ્ટ ચીતરવાનો નથી. નિર્માતાઓએ જણાવ્યું હતું કે વિવાદાસ્પદ શીર્ષક 'ઘુસખોર પંડિત' પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હવે ફિલ્મનું નવું નામ શું રાખવું તે અંગે વિચારણા ચાલી રહી છે.
મનોજ બાજપેયીની સ્પષ્ટતા
અભિનેતા મનોજ બાજપેયીએ પણ આ વિવાદ મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય હંમેશા દર્શકોનું મનોરંજન કરવાનો રહ્યો છે, કોઈને માનસિક ઠેસ પહોંચાડવાનો નહીં. તેમણે વિનમ્રતાપૂર્વક માફી માંગતા જણાવ્યું કે ફિલ્મના ટાઇટલમાં ફેરફાર કરવામાં આવશે.
હવે શું થશે?
સુપ્રીમ કોર્ટના આજના આદેશ બાદ હવે આ વિવાદનો પૂર્ણાહુતિ થઈ છે. કોર્ટે નીચેની અદાલતોને પણ આ મામલે નવી સુનાવણી ન કરવા સૂચના આપી છે. ફિલ્મના નિર્માતાઓ હવે નવા નામ સાથે ફિલ્મની રિલીઝની તૈયારીઓ ફરી શરૂ કરશે, જોકે નવા નામ અંગે હજુ સસ્પેન્સ જળવાયેલું છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
