<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઉત્તર કોરિયાની 'લેડી ડોન'ના તેવર નરમ પડ્યા: કિમ જોંગ ઉનની બહેને દુશ્મન દેશ દક્ષિણ કોરિયાના કર્યા વખાણ, જાણો શું છે કારણ?

ડ્રોન ઘૂસણખોરી મામલે દક્ષિણ કોરિયાએ માફી માંગતા કિમ યો-જોંગે વલણ બદલ્યું: વર્ષોની દુશ્મનાવટ વચ્ચે શાંતિની આશા જાગી, પણ સાથે આપી 'ભયંકર પરિણામો'ની ચેતવણી

પ્યોંગયાંગ, તા. ૧૯: વિશ્વના સૌથી રહસ્યમય અને કડક મિજાજ ધરાવતા દેશ ઉત્તર કોરિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનની શક્તિશાળી બહેન કિમ યો-જોંગ, જે સામાન્ય રીતે દક્ષિણ કોરિયા સામે ઝેર ઓકવા માટે જાણીતી છે, તેણે અચાનક પડોશી દેશની પ્રશંસા કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વર્ષોના તણાવ પછી કિમ પરિવારના કોઈ સભ્યએ દક્ષિણ કોરિયાની પ્રતિબદ્ધતાની "ખૂબ પ્રશંસા" કરી હોય તેવી આ દુર્લભ ઘટના છે.
શા માટે બદલાયો સુર?
આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ દક્ષિણ કોરિયા દ્વારા સ્વીકારવામાં આવેલી પોતાની ભૂલ છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના એકીકરણ પ્રધાન ચુંગ ડોંગ-યંગે સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તપાસ મુજબ, ગયા સપ્ટેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના હવાઈ ક્ષેત્રમાં ચાર વખત ડ્રોન મોકલ્યા હતા. દક્ષિણ કોરિયાએ આ ઘટના બદલ 'ખેદ' વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આવું ન થાય તેનું વચન આપ્યું, જેનાથી કિમ યો-જોંગ પ્રભાવિત થઈ છે.
૨૦૧૮ના લશ્કરી કરાર પર ફરી આશા
દક્ષિણ કોરિયાના પ્રધાન ચુંગે જાહેરાત કરી છે કે તેઓ ૨૦૧૮ના તે ઐતિહાસિક લશ્કરી કરારની સમીક્ષા કરશે જે બંને દેશો વચ્ચે સરહદ પર દુશ્મનાવટ ઘટાડવા માટે કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ નો-ફ્લાય ઝોન અને અન્ય સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે, જેથી ડ્રોન જેવી ઘૂસણખોરી રોકી શકાય. કિમ યો-જોંગે આ સ્વીકારાત્મક અભિગમને આવકારતા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) દ્વારા સકારાત્મક નિવેદન જારી કર્યું છે.
નરમાશ સાથે કડક ચેતવણી પણ અકબંધ
જોકે, કિમ યો-જોંગે પ્રશંસાની સાથે પોતાની લાક્ષણિક શૈલીમાં ચેતવણી આપવાનું પણ ચૂક્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ફરી ક્યારેય પણ આવી ઘૂસણખોરી થશે, તો દક્ષિણ કોરિયાએ તેના "ભયંકર પરિણામો" ભોગવવા પડશે. તેમણે કહ્યું કે માસ્ટરમાઇન્ડ ગમે તે હોય, ઉત્તર કોરિયા પોતાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.
વિશ્વની નજર કોરિયન દ્વીપકલ્પ પર
જાન્યુઆરી ૨૦૨૬થી બંને દેશો વચ્ચે ડ્રોન અને જાસૂસી સાધનોને લઈને જે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં આ વળાંક એક મોટી રાહત સમાન છે. નિષ્ણાતો માને છે કે જો દક્ષિણ કોરિયા પોતાના વચન પર અડગ રહેશે, તો વર્ષોથી ચાલી આવતી સરહદી અશાંતિમાં ઘટાડો થઈ શકે છે.

(4:53 PM IST)