News of Thursday, 19th February 2026
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં નૂતન સ્વામિનારાયણ ગુરુકુલનો શુભારંભ
રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અને ફૂડ બેંક નો પ્રારંભઃ ભાગવત કથા, મહાવિષ્ણુ યજ્ઞ, મહા અન્નકૂટનું આયોજન

રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની વિદેશની ધરતી પર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં નવા ગુરુકુલ નો પ્રારંભ થઈ રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને આધ્યાત્મિક કાર્યક્રમો તા ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવશે. સાથે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે. ભાગવત કથાનો લાભ પુરાણી શ્રીકૃષ્ણપ્રિયદાસજી સ્વામીના મધુર કંઠે પ્રાપ્ત થશે.
પંચ દિનાત્મક મહાવિષ્ણુ યજ્ઞનું અનુપમ આયોજન કરવામાં આવેલું છે. જેમાં યજમાન પરિવારના મહિલા અને પુરુષો લાભ લેનાર છે. તેમજ ઓસ્ટ્રેલિયાના તેમજ વિવિધ દેશના બધા હરિભક્તો માટે સમૂહ મહાપુજાનો આયોજન કરવામાં આવેલું છે.
૨૨ મીએ, રવિવારે બ્રાહ્મમુર્હૂતમાં સ્વામીનારાયણ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે. પ્રતિષ્ઠા વિધિમાં વિવિધ ફળો અને વનસ્પતિઓના રસ તેમજ પંચામૃત વડે ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવશે.
સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, શ્રી મહાદેવ પાર્વતીજી, શ્રી જગન્નાથ ભગવાન વગેરે દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. મહંત સ્વામીશ્રી દેવપ્રસાદજી સ્વામી સાથે મેલબોર્નમાં નૂતન ગુરુકુલના ભવ્ય ઉદઘાટન નિમિત્તે નારાયણપ્રસાદ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, રામાનુજ સ્વામી, ગોવિદ સ્વરૂપદાસ સ્વામી વગેરે સંતો પ્રતિષ્ઠા વિધિમાં જોડાશે. સંતો અને ભક્તો દ્વારા બનાવેલી વિવિધ વાનગીઓનો દિવ્ય મહા અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવવામાં આવશે.
મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે.
૨૧ મીએ શનિવારે મહિલા મંચના આયોજનમાં બહોળા પ્રમાણમાં મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થશે.
તેમજ શનિવારે સાંજે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર તેમજ રાત્રે આતશબાજી થશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
