<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ન્‍યુયોર્કમાંથી કામચલાઉ બેઘર કેમ્‍પ હટાવાશેઃ ભારે ઠંડી બાદ તંત્ર જાગ્‍યુ

ન્‍યૂયોર્કઃ શહરેના નવા મેયર ઝોહરાન મમદાનીએ શહેરના રસ્‍તાઓ, બગીચાઓ અને સબવે સ્‍ટેશનો પર બનેલા કામચલાઉ બેઘર કેમ્‍પને હટાવવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. અગાઉના મેયર એરિક એડમ્‍સની કડક નીતિથી વિપરીત, મમદાનીએ આ વખતે શ્નમાનવીય અભિગમઙ્ખ અપનાવવાની ખાતરી આપી છે.

તાજેતરમાં ન્‍યુ યોર્કમાં પડેલી અસહ્ય ઠંડીએ વહીવટીતંત્રની આંખ ઉઘાડી દીધી છે. કડકડતી ઠંડીને કારણે ઓછામાં ઓછા ૧૯ લોકોના થીજી જવાથી મળત્‍યુ થયા છે.

આ કરૂણ ઘટના બાદ સરકાર પર દબાણ વધ્‍યું હતું કે લોકોને ખુલ્લા આકાશ નીચે છોડી દેવા એ જોખમી છે. આથી, લોકોને સુરક્ષિત અને ગરમ આશ્રયસ્‍થાનોમાં ખસેડવા માટે આ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

મેયર મમદાનીએ સ્‍પષ્ટ કર્યું છે કે આ વખતે કાર્યવાહીમાં બળપ્રયોગ કરવામાં આવશે નહીં. આ નિર્ણય પર રાજકીય જગત બે ભાગમાં વહેંચાયેલું છે. સિટી કાઉન્‍સિલના સ્‍પીકર જુલ્‍સ મેનિને આ પગલાને ટેકો આપતા કહ્યું કે ઠંડીમાં લોકોને રસ્‍તા પર મરવા ન છોડી શકાય. બીજી તરફ, કોએલિશન ફોર ધ હોમલેસ ના ડિરેક્‍ટર ડેવિડ ગિફેને ચિંતા વ્‍યક્‍ત કરી છે કે જ્‍યારે લોકોનો સામાન ફેંકી દેવામાં આવે છે, ત્‍યારે તેમનો સરકાર પરથી ભરોસો ઉઠી જાય છે.(૪૦.૨૯)

(3:41 PM IST)