News of Wednesday, 18th February 2026
ભારતીય સેનાની કંબોડિયામાં 'સર્જિકલ ડિપ્લોમસી': મેજર જનરલ આકાશ જોહરે રક્ષા સંબંધો મજબૂત કરવા ફ્નોમ પેન્હમાં સંભાળ્યું મોરચો!
ભારત અને કંબોડિયા વચ્ચે ત્રીજી આર્મી-ટુ-આર્મી સ્ટાફ વાટાઘાટો સંપન્ન: સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ટ્રેનિંગ પર મુકાયો ભાર - ચીનના પ્રભુત્વ વચ્ચે દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતની મજબૂત પકડ.

ફ્નોમ પેન્હ (કંબોડિયા) : ભારત અને કંબોડિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો હવે રણમેદાનમાં પણ મજબૂત થઈ રહ્યા છે. કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હ ખાતે યોજાયેલી ત્રીજી આર્મી-ટુ-આર્મી સ્ટાફ વાટાઘાટોમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એડિશનલ ડિરેક્ટર જનરલ (આંતરરાષ્ટ્રીય સહકાર) મેજર જનરલ આકાશ જોહરે કર્યું હતું. આ બેઠક ભારતની 'એક્ટ ઈસ્ટ' પોલિસી હેઠળ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વનું સીમાચિહ્ન માનવામાં આવે છે.
બંને સેનાઓ વચ્ચે વધશે તાલમેલ
ભારતીય સેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે, આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે વ્યૂહાત્મક અને ઓપરેશનલ સહયોગ વધારવાનો છે. મેજર જનરલ આકાશ જોહરે રોયલ કંબોડિયન આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ માઓ સોફન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંયુક્ત લશ્કરી જોડાણને કેવી રીતે વધુ આક્રમક અને સચોટ બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ટ્રેનિંગ અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન
બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:
• સંયુક્ત તાલીમ: ભારતીય સેના કંબોડિયન સૈનિકોને આધુનિક યુદ્ધકળા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપશે.
• લશ્કરી જોડાણ: બંને દેશો વચ્ચે નિયમિત અંતરે સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજવાનું આયોજન.
• દ્વિપક્ષીય સંબંધો: દક્ષિણ-પૂર્વ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા.
ભારત અને કંબોડિયા વચ્ચેના આ વધતા સૈન્ય સંબંધો માત્ર દ્વિપક્ષીય જ નથી, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન જાળવવા માટે પણ અત્યંત મહત્વના છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
