<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ઓનલાઇન જુગાર રમવા ગ્રાહકોના લોકરમાંથી કાઢી લીધું ૩.૫ કરોડ રૂપિયાનું સોનું

ઇન્‍ડિયન બેન્‍કના ડેપ્‍યુટી મેનેજરનું ગજબ કારસ્‍તાનઃ સટ્ટાબાજીમાં કમાવાને બદલે ડૂબી ગયો

બેન્‍ગલોર તા.૧૭: બેન્‍ગલોરમાં ઇન્‍ડિયન બેન્‍કની એક બ્રાન્‍ચના ડેપ્‍યુટી મેનેજરે ગ્રાહકોએ ગીરવી રાખેલું ૩.૫ કરોડ રૂપિયાથી વધુનું સોનું કાઢી લીધું હોવાનો જાણવા મળ્‍યું છે. ૩૪ વર્ષના કિરણ કુમારે ડેપ્‍યુટી મેનેજરના પદનો દુરુપયોગ કરીને ગ્રાહકોના લોકરમાંથી લગભગ ૨.૭ કિલો સોનાના દાગીના ચોર્યા હતા. પોલીસે કહ્યું હતું કે આરોપીએ ઑનલાઇન જુગારમાં પૈસા ઉડાડી દીધા છે.

જાન્‍યુઆરીમાં કેટલાક ગ્રાહકો તેમણે ગીરવી રાખેલાં ઘરેણાં પાછાં લેવા ગયા હતા. જોકે એ વખતે લોકરની તપાસ દરમ્‍યાન કેટલાંક પેકેટમાં ઘરેણાં ઓછાં નીકળ્‍યાં હતાં. એ પછી તો બેન્‍કના મેનેજરે ગીરવી મુકાયેલાં તમામ લોકોનાં ઘરેણાંનો હિસાબ માંડતાં ખબર પડી હતી કે ૨૪ પેકેટમાં રાખેલાં ઘણાં ઘરેણાં ગાયબ છે. એમાંય ત્રણ પેકેટ તો આખેઆખાં ખાલી હતાં. બેન્‍ક-મેનેજરે પાંચમી ફેબ્રુઆરીએ પોલીસને આ બાબતની જાણ કરી હતી. બેન્‍કના હિસાબની પ્રાથમિક તપાસમાં લગભગ ૨૭૮૦ ગ્રામ સોનાના દાગીના ચોરાયા હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું હતું જેની બજારકિમત આશરે ૩.૫થી ૪ કરોડ રૂપિયા વચ્‍ચે અંકાય છે.

પોલીસ-સૂત્રોએ જણાવ્‍યા અનુસાર કિરણ કુમારે બેન્‍ક-મેનેજરની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ધીમે-ધીમે અલગ-અલગ લોકરમાંથી થોડી-થોડી માત્રામાં સોનું કાઢ્‍યું હતું જેથી કોઈને શક ન જાય. તેણે એવાં જ લોકરો પસંદ કર્યાં હતાં જે લાંબા સમયથી વારંવાર ઑપરેટ ન થતાં હોય. એ પછી આ ઘરેણાંને તેણે અલગ-અલગ ફાઇનેન્‍સ કંપનીઓ અને દુકાનોમાં ગીરવી મૂકીને પૈસાનો ઉપાડ કર્યો હતો. પોલીસે કડક પૂછપરછ કરી ત્‍યારે કિરણે ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે ગીરવી રાખેલા સોનાનાં ઘરેણાંથી મળેલી રકમને બમણી કરવા હું ઑનલાઇન સટ્ટાબાજી કરતો હતો, પણ એમાં કમાવાને બદલે રૂપિયા ડૂબી ગયા હતા.

પોલીસનું કહેવું છે કે કિરણ કુમારે જે ફાઇનેન્‍સ કંપનીઓ પાસે સોનું ગીરવી રાખ્‍યું હતું એ કંપનીઓ પણ તપાસમાં સહયોગ નથી આપી રહી એટલે પોલીસ કોર્ટનો દરવાજો ખટખટાવે એવી સંભાવના છે. આ કંપનીઓની પણ આખા મામલામાં સંડોવણી હોવાની શંકા છે. 

(10:20 AM IST)