<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

૧૫ વર્ષની ઉંમરે ડાકુ ઉઠાવી ગયેલા તે કન્‍યા ૬૫ વર્ષ બાદ ગામ પાછી ફરી

અબોધ બાળકી પર નરાધમોએ ખૂબ જુલમ ગુજાર્યો. ખૂબ કામ કરાવ્‍યું, ખાવા ન આપ્‍યું અને શારીરિક શોષણ પણ કર્યુ : ૧૫ વર્ષની ઉંમરે ગુમ થયેલી કન્‍યા ૮૦ વર્ષની દાદી થઈને સકુશળ ગામ આવી શકી

હરદોઈ,તા.૧૭: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્‍લાના બલદેવ ગામની બહાર છૂટાંછવાયાં ઘરોમાંથી કેટલાંક ઘર પર ડાકુઓએ ધાડ પાડી હતી. લગભગ ૬૫ વર્ષ પહેલાંની આ ઘટનામાં એક પરિવારના ઘરમાંથી ડાકુઓને ખાસ કીમતી ન મળ્‍યું તો ડાકુઓ ૧૫ વર્ષની મીઠની નામની કન્‍યાને ઉપાડી ગયા. મીઠનીનાં લગ્ન થઈ ચૂક્‍યાં હતાં અને બીજા જ મહિને તેને સાસરે વળાવવાની હતી. જોકે ડાકુઓ તેને ઉપાડીને જંગલમાં જતા રહ્યા.

અબોધ બાળકી પર નરાધમોએ ખૂબ જુલમ ગુજાર્યો. ખૂબ કામ કરાવ્‍યું, ખાવા ન આપ્‍યું અને શારીરિક શોષણ પણ કર્યું. ડાકુઓ તેમની સાથે આ મીઠનીને પણ લઈને અહીં-તહીં ભટકતા રહેતા હતા. એવામાં અલીગઢ પાસેના સમેધા ગામ પાસે સોહનલાલ નામના માણસને ડાકુઓ એક કન્‍યા પર જુલમ ગુજારતા હોવાની ખબર પડતાં તે ડાકુઓની સામે પડ્‍યો. તેણે સાથીઓ સાથે ધાડ પાડીને મીઠનીને ડાકુઓની ચુંગાલમાંથી છોડાવી દીધી. જોરજુલમને કારણે સાનભાન ભૂલી ચૂકેલી મીઠનીને નવું જીવન આપવા સોહનલાલે તેની સાથે લગ્ન કરી લીધાં. આ લગ્નથી તેમને પાંચ દીકરીઓ અને ત્રણ દીકરા થયાં. ધીમે-ધીમે મીઠનીબાઈને પોતાના ગામ અને ડાકુઓની ધાડની વાતો યાદ આવતી ગઈ અને તેને પોતાના ગામની મુલાકાત લેવાની ઇચ્‍છા થતી હતી.

મીઠનીબાઈ હવે ૮૦ વર્ષનાં થઈ ગયાં છે ત્‍યારે તેમની નાની દીકરી માએ કહેલા ગામમાં ભરાતા મેળામાં તેમને લઈને આવી પહોંચી. અહીં મીઠનીબાઈનો તેમના ભાઈ અને પરિવાર સાથે મેળાપ થયો. ગામલોકો પણ દંગ રહી ગયા કે ૧૫ વર્ષની ઉંમરે ગુમ થયેલી કન્‍યા ૮૦ વર્ષની દાદી થઈને સકુશળ ગામ આવી શકી.

(9:59 AM IST)