News of Tuesday, 17th February 2026
કોણ છે ઓઈલ માફિયા? મુંબઈ નજીકથી ભારતે ત્રણ શંકાસ્પદ ઘૂમી રહેલા જહાજો ઝડપી લેતા ખળભળાટ: ઈરાને કહ્યું અમારે કોઈ લેવાદેવા નથી: કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ક્રૂડ ઓઈલ
ભારતીય કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રમાં એક મોટું ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ઓઈલ માફિયાઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો

મુંબઈ: ભારતીય કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રમાં એક મોટું ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ઓઈલ માફિયાઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મુંબઈના દરિયાકાંઠેથી આશરે સો નોટિકલ માઈલ દૂર મધદરિયે શંકાસ્પદ હાલતમાં ઘૂમતા ત્રણ જંગી જહાજોને ભારતીય એજન્સીઓએ કબજે કર્યા છે. આ જહાજોમાં કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ક્રૂડ ઓઈલ હોવાની શંકા છે, જેને કસ્ટમ ડ્યુટી ભર્યા વગર અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને નેવે મૂકીને હેરાફેરી કરવામાં આવી રહ્યું હતું.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે કારણ કે જે ત્રણ જહાજો પકડાયા છે તેના તાર ઈરાન સાથે જોડાયેલા હોવાનો દાવો અમુક વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો હતો. જોકે, આ મુદ્દે હવે ઈરાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈરાનના સત્તાવાર સૂત્રો અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે ભારતે જે જહાજો પકડ્યા છે તેની સાથે ઈરાન સરકારને કોઈ લેવાદેવા નથી. ઈરાને હાથ અધ્ધર કરતા કહ્યું છે કે આ જહાજો કે તેમાં રહેલો માલસામાન ઈરાનની માલિકીનો નથી. આમ, ઈરાને આ ઓઈલ સ્મગલિંગ રેકેટથી પોતાનું અંતર જાળવી લીધું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ, આ જહાજો 'ડાર્ક ફ્લીટ' એટલે કે ભૂતિયા જહાજો તરીકે કામ કરતા હતા. તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દેતા હતા અને મધદરિયે એક જહાજમાંથી બીજા જહાજમાં ઓઈલ ટ્રાન્સફર કરતા હતા જેથી તે કયા દેશનું ઓઈલ છે તે પકડી ન શકાય. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ઓઈલ માફિયાઓ કરોડો રૂપિયાની કરચોરી કરતા હતા.
હાલમાં ત્રણેય જહાજોને કડક સુરક્ષા વચ્ચે મુંબઈના બંદરે લાવવામાં આવ્યા છે. જહાજના ક્રૂ મેમ્બરોની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ઓપરેશનમાં નેવી અને ગુપ્તચર એજન્સીઓ પણ જોડાઈ છે.
સુરક્ષા એજન્સીઓ હવે એ તપાસી રહી છે કે આ ઓઈલ કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ કાળા કારોબારમાં ભારતના કોઈ સ્થાનિક એજન્ટો સામેલ છે કે કેમ. આ કાર્યવાહીને કારણે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
