News of Monday, 16th February 2026
મુનાવર ફારૂકીએ પાકિસ્તાની ટીમને બરાબરની ખંખેરી: "ક્રિકેટ ન ફાવતું હોય તો રહેવા દો!"
T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની કારમી હાર બાદ કોમેડિયન મુનાવર ફારૂકીનો પિત્તો ગયો: સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ અને પ્રેક્ટિસ પર ઉઠાવ્યા આકરા સવાલો

મુંબઈ: કોલંબોમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને ૬૧ રને હરાવીને જે રીતે ધૂળ ચટાડી છે, તેના પડઘા હજુ પણ શાંત પડ્યા નથી. પાકિસ્તાની ટીમની આ શરમજનક હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે, પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચા સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીના 'રોસ્ટિંગ' વીડિયોની થઈ રહી છે. મુનાવરે તેની લાક્ષણિક શૈલીમાં પાકિસ્તાની ટીમને આડે હાથ લેતા કહ્યું કે, જો તમારાથી ક્રિકેટ નથી રમાતું તો તેને એકલું મૂકી દો. તેણે કટાક્ષ કરતા ઉમેર્યું કે પાકિસ્તાને માત્ર 'કોક સ્ટુડિયો' ના ગીતો પર જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે મેદાન પર તો તેમનું પ્રદર્શન સાવ ફિક્કું સાબિત થયું છે.
મુનાવર ફારૂકીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં પાકિસ્તાની ખેલાડીઓની માનસિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે, ભારત સામે એકતરફી મેચ રમીને તમે રમતનો બધો રોમાંચ બગાડી નાખ્યો છે. તેણે હસતા હસતા સલાહ આપી કે, "તમે લોકો છેલ્લી ઓવર સુધી લડવાને બદલે પહેલી ઓવરથી જ હાર સ્વીકારી લો છો, તેનાથી સમયની બચત થશે." મુનાવરે વધુમાં પાકિસ્તાની ખેલાડીઓને ચેતવણી આપી કે અત્યારે ભૂલથી પણ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ ન ખોલતા, કારણ કે ભારતીય મીમર્સ અને ફેન્સ તમને છોડવાના મૂડમાં નથી. તેની આ 'કેઝ્યુઅલ રોસ્ટિંગ' સ્ટાઈલ હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
ભારતીય ક્રિકેટ ચાહકો મુનાવરની આ વાત સાથે સહમત જોવા મળી રહ્યા છે. મેચમાં ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શન બાદ પાકિસ્તાની ટીમના પૂર્વ ખેલાડીઓ પણ પોતાની ટીમની ટીકા કરી રહ્યા છે ત્યારે મુનાવરના આ કટાક્ષે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મુનાવરે વીડિયોના અંતમાં પાકિસ્તાની ટીમને "પ્રેક્ટિસ" કરવાની સલાહ આપતા કહ્યું કે જ્યારે ભારતીય ખેલાડીઓ સતત વ્યસ્ત હોવા છતાં આટલું શાનદાર રમી શકે છે, તો તમે તો ફ્રી હોવા છતાં કેમ રમી શકતા નથી? આ સવાલ હાલ પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
