<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સ્મશાનના નાથની અનોખી ભક્તિ: જ્યાં મહિલાઓ વર્ષમાં માત્ર એક જ વાર પગ મૂકે છે, મહાશિવરાત્રીએ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

જબલપુરના 'સુરાઈ' સ્મશાનમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ; વર્ષો જૂની પરંપરા તોડી શિવરાત્રીએ નારી શક્તિ કરે છે મહાદેવનો અભિષેક

જબલપુર:મધ્યપ્રદેશના જબલપુરમાં મહાશિવરાત્રીના પાવન અવસરે આસ્થા અને પરંપરાનો એક એવો સંગમ જોવા મળ્યો જે અન્યત્ર ક્યાંય દુર્લભ છે. સામાન્ય રીતે હિન્દુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓ માટે સ્મશાનમાં જવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ જબલપુરના સુરાઈ સ્મશાનભૂમિ સ્થિત શિવ મંદિરમાં આ પરંપરા શિવરાત્રીના દિવસે બદલાઈ જાય છે. વર્ષના ૩૬૪ દિવસ જ્યાં સન્નાટો અને ડરનો માહોલ હોય છે, ત્યાં આજે હજારો મહિલાઓ અને શ્રદ્ધાળુઓ મહાદેવની પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા.

એક સમયે લોકો ધોળા દિવસે પણ આ મંદિરે આવતા ડરતા હતા, પરંતુ હવે આ શિવાલય ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. ભક્તો માને છે કે સ્મશાનમાં બિરાજતા ભોળાનાથના દર્શન કરવાથી મૃત્યુનો ભય દૂર થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના પવિત્ર દિવસે અહીં માત્ર પૂજા જ નહીં, પરંતુ ભવ્ય શિવ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. સાથે જ સમગ્ર સ્મશાન સંકુલમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી શિવમય વાતાવરણનો અનુભવ કર્યો હતો.

સ્મશાનમાં બિરાજતા શિવજી એ વાતનું પ્રતિક છે કે તેઓ પરોપકારી છે અને અંતિમ ધામમાં પણ પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. વહેલી સવારથી જ લાઈનોમાં ઉભેલા ભક્તોએ ગંગાજળ અને બિલ્વપત્રોથી અભિષેક કરી ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા હતા. આ અનોખી પરંપરા જબલપુરની આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.

(2:56 PM IST)