<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે રાહુલ ગાંધીના પાંચ સવાલોથી રાજકીય ગરમાવો - ‘આ સોદો ભારતીય ખેડૂતો સાથે વિશ્વાસઘાત’

જીએમ સોયા તેલ અને મકાઈની આયાતથી સ્થાનિક ખેડૂતો પાયમાલ થશે તેવી ભીતિ : વિપક્ષી નેતાએ પૂછ્યું - શું ભારતનું કૃષિ ક્ષેત્ર અમેરિકાના ઉદ્યોગ પર નિર્ભર થઈ જશે?

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર સોદા (Trade Deal) ને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીએ આ ડીલને ભારતીય ખેડૂતો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો અને સરકાર સમક્ષ પાંચ વેધક સવાલો રજૂ કર્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ સોદાને કારણે ભારતના કૃષિ ક્ષેત્ર પર લાંબા ગાળે વિદેશી પકડ મજબૂત થઈ શકે છે.
રાહુલ ગાંધીના સરકારને પાંચ પ્રશ્નો:
૧. દૂધ ઉત્પાદન અને અમેરિકી મકાઈ: રાહુલ ગાંધીએ પૂછ્યું કે, 'DDG' આયાતનો વાસ્તવિક અર્થ શું છે? શું હવે ભારતીય પશુઓને અમેરિકાના જીએમ (જિનેટિકલી મોડિફાઈડ) મકાઈમાંથી બનેલું અનાજ ખવડાવવામાં આવશે? શું આનાથી આપણી ડેરી પ્રોડક્ટ્સ અને દૂધ ઉત્પાદકો અમેરિકન કૃષિ ઉદ્યોગ પર નિર્ભર નહીં થઈ જાય?
૨. સોયા ખેડૂતોનું ભાવિ: તેમણે બીજો પ્રશ્ન કર્યો કે જો ભારત જીએમ સોયા તેલની આયાતની મંજૂરી આપશે, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સોયા ખેડૂતોનું શું થશે? આયાતને કારણે ભાવમાં થતો ઘટાડો અને આર્થિક ફટકો આપણા ખેડૂતો કેવી રીતે સહન કરશે?
૩. વધારાના ઉત્પાદનોમાં કોનો સમાવેશ?: વિપક્ષી નેતાએ 'વધારાના ઉત્પાદનો' (Additional Products) શબ્દ પ્રયોગ પર સ્પષ્ટતા માંગતા પૂછ્યું કે, શું ભવિષ્યમાં દાળ અને અન્ય પાકો માટે પણ ભારતીય બજાર અમેરિકા માટે ખોલી દેવાનું આ સંકેત છે?
૪. MSP અને નોન-ટ્રેડ બેરિયર્સ: રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે 'બિન-વ્યાપારી અવરોધો' (Non-Trade Barriers) હટાવવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર જીએમ પાકો અંગે પોતાનું વલણ નરમ કરવા, એમએસપી (MSP) ઘટાડવા કે બોનસ ઓછું કરવાનું દબાણ અમેરિકા દ્વારા લાવવામાં આવશે?
૫. ભવિષ્યની અસરો: પોતાના અંતિમ સવાલમાં તેમણે પૂછ્યું કે, એકવાર આ દરવાજો ખુલી ગયા પછી, દર વર્ષે તેને વધુ ખુલતો અટકાવવાની કોઈ યોજના છે? કે પછી દર વખતે નવા સોદાના નામે ધીમે-ધીમે વધુ પાકોને અમેરિકાના હવાલે કરી દેવામાં આવશે?
ખેડૂતોને જવાબ મળવો જોઈએ
આ સવાલો ઉઠાવ્યા બાદ રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, દેશના ખેડૂતોને આ બાબતે સ્પષ્ટ જવાબ મળવો જોઈએ. આ માત્ર વર્તમાનની વાત નથી પરંતુ ભારતના ભવિષ્યનો સવાલ છે. શું આપણે કોઈ બીજા દેશને ભારતની કૃષિ વ્યવસ્થા પર કાયમી કબજો જમાવવાની તક આપી રહ્યા છીએ તે એક મોટો ચિંતાનો વિષય છે. રાહુલ ગાંધીના આ સવાલો બાદ રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ચર્ચાઓ તેજ બની છે.

(2:48 PM IST)