News of Sunday, 15th February 2026
પરીક્ષા કેન્દ્રમાં 'ભોંયરું' અને ખાડામાં વાઇફાઇ: SSC પરીક્ષામાં છેતરપિંડીની હોલીવુડ સ્ટાઇલ ફિલ્મી ગેંગ પકડાઈ
૨ ફૂટ ઊંડા ખાડામાંથી ઓપરેટ થતું હતું પ્રોક્સી સર્વર; સોલ્વર ટોળકી એક પેપરના ₹૧૦ લાખ વસૂલતી હતી

દહેરાદૂન:ઉત્તરાખંડના દહેરાદૂનમાં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની ઓનલાઈન પરીક્ષામાં છેતરપિંડીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પોલીસ અને શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. MKP ઇન્ટર કોલેજ સ્થિત મહાદેવ ડિજિટલ ઝોનમાં STF ના દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, કૌભાંડીઓએ પરીક્ષા કેન્દ્રની અંદર જ ૨ ફૂટ ઊંડો અને ૨ ફૂટ પહોળો એક ગુપ્ત ભૂગર્ભ ખાડો (ભોંયરું) બનાવ્યો હતો. જ્યારે પરીક્ષા દરમિયાન નિયમ મુજબ ઇન્ટરનેટ બંધ હોય છે, ત્યારે આ ગેંગ ખાડામાં છુપાવેલા હાઇટેક લેપટોપ અને રાઉટર દ્વારા ઉમેદવારોના કમ્પ્યુટરનો રિમોટ એક્સેસ બીજા શહેરમાં બેઠેલા સોલ્વર્સને આપતી હતી.
આ હાઇટેક છેતરપિંડીની પદ્ધતિ એવી હતી કે ઉમેદવાર માત્ર કમ્પ્યુટર સ્ક્રીન સામે મૂર્તિ બનીને બેસી રહેતો અને બીજા શહેરનો નિષ્ણાત સોલ્વર તેનું પેપર ઉકેલતો હતો. આ માટે ગેંગ ઉમેદવાર દીઠ ₹૧૦ લાખનો તોતિંગ સોદો કરતી હતી. દરોડા દરમિયાન પોલીસે ખાડામાં ચાલતી હાલતમાં બે લેપટોપ અને વાઇફાઇ પ્રોક્સી સર્વર ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં સેન્ટર મેનેજર ભાસ્કર નૈથાની અને ટેકનિશિયન નીતિશની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ૧૦૦ જેટલા ઉમેદવારો STF ના સ્કેનર હેઠળ છે, જેમની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના કડક આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેન્દ્ર બેંગલુરુની એક મોટી કંપની દ્વારા ચલાવવામાં આવતું હોવાથી હવે તેના અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ 'ભોંયરું' ક્યારે બનાવવામાં આવ્યું અને અત્યાર સુધી કેટલા 'નકલી' સરકારી બાબુઓ આ રસ્તે નોકરી મેળવી ચૂક્યા છે. સોમવારની પૂછપરછ બાદ આ કૌભાંડના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે તેની વિગતો પણ સામે આવશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
