<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: ટોપ-૧૦ કંપનીઓના રૂ.૩ લાખ કરોડ સ્વાહા, IT જાયન્ટ્સને લાગ્યો જોરદાર 'કરંટ'

TCS અને ઇન્ફોસિસના રોકાણકારોના લોહીના પાણી; SBI અને બજાજ ફાઇનાન્સે ડૂબતા બજારમાં ખેંચી નૌકા

મુંબઈ: ભારતીય શેરબજાર માટે ગયું અઠવાડિયું કોઈ દુઃસ્વપ્નથી ઓછું નહોતું. સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.૩ લાખ કરોડથી વધુનું ધોવાણ થતા રોકાણકારોમાં ફાળ પડી છે. આ આંચકાની સૌથી વધુ અસર IT સેક્ટરના બે મહારથીઓ, TCS અને ઇન્ફોસિસ પર જોવા મળી છે. એકલા TCS એ જ તેના માર્કેટ કેપમાંથી અંદાજે રૂ.૯૦,૧૯૮ કરોડ ગુમાવ્યા છે, જે દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક માંગમાં ઘટાડાનો ડર હવે બજાર પર હાવી થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ ૧.૧૪% ના ઘટાડા સાથે ૮૨,૬૨૬ ના સ્તરે સરકી ગયો છે.
જોકે, આ રક્તરંજીત બજારમાં પણ કેટલીક કંપનીઓએ રોકાણકારોની આશા જીવંત રાખી છે. એક તરફ જ્યાં રિલાયન્સ, HDFC બેંક અને LIC જેવી દિગ્ગજ કંપનીઓના માર્કેટ કેપમાં ગાબડા પડ્યા છે, ત્યાં બીજી તરફ સરકારી બેંકિંગ જાયન્ટ SBI એ જબરદસ્ત દેખાવ કર્યો છે. SBI ના માર્કેટ કેપમાં રૂ.૧.૨૨ લાખ કરોડનો તોતિંગ વધારો થયો છે. તેવી જ રીતે બજાજ ફાઇનાન્સ અને L&T એ પણ મુશ્કેલ સમયમાં પોઝિટિવ વળતર આપીને બજારને ટેકો આપ્યો છે. રિલાયન્સ હજુ પણ રૂ.૧૯.૨૧ લાખ કરોડ સાથે ભારતની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહી છે.
બજારના વિશ્લેષકો માને છે કે બ્લુ-ચિપ કંપનીઓમાં જોવા મળેલી આ વેચવાલી એ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનું પરિણામ છે. ખાસ કરીને ખાનગી બેંકો અને ટેલિકોમ ક્ષેત્રમાં જે નફાબુકિંગ જોવા મળ્યું છે, તેનાથી નાના રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. આગામી દિવસોમાં જો IT ક્ષેત્રમાં સ્થિરતા નહીં આવે, તો બજાર પર હજુ પણ દબાણ જોવા મળી શકે છે.

(2:46 PM IST)