<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુન્દ્રાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના

આ મુલાકાત દ્વારા માનવીય સંવેદના અને જૂના સ્નેહીઓ પ્રત્યેનો આદર પ્રગટ કર્યો હતો

ભુજ: ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ જૂના પારિવારિક સંબંધો નિભાવતા મુંદ્રાના  ઝરપરા  ગામની મુલાકાત લીધી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા સામાજિક આગેવાન સ્વ. ભારુભાઈ ગઢવીના  ઘરે પહોંચ્યા હતા અને તેમના અવસાન પર પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૌતમભાઈએ આ મુલાકાત દ્વારા માનવીય સંવેદના અને જૂના સ્નેહીઓ પ્રત્યેનો આદર પ્રગટ કર્યો હતો.

 તાજેતરમાં અદાણી ગ્રુપના  ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ  સાબિત કરી દીધું છે કે ગમે તેટલી વ્યસ્તતા હોય, પરંતુ માનવીય સંબંધો અને જૂના સાથીદારોનું સ્થાન હંમેશા સર્વોપરી હોય છે. કચ્છના મુંદ્રા તાલુકાના ઝરપરા  ગામે ગૌતમ અદાણી હેલિકોપ્ટર  મારફતે ઓચિંતા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક આગેવાન સ્વ. ભારુભાઈ ગઢવીના  પરિવારને સાંત્વના પાઠવવાનો હતો.

 

 

ઝરપરા ગામના પ્રતિષ્ઠિત સામાજિક અને ગ્રામીણ આગેવાન ભારુભાઈ ગઢવીનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. ભારુભાઈ માત્ર એક ગ્રામીણ આગેવાન જ નહીં, પરંતુ ગૌતમભાઈ અદાણીના અંગત અને જૂના સ્નેહી પણ હતા. જ્યારે અદાણી ગ્રુપે મુંદ્રામાં (Mundra Port) પોતાના સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો, ત્યારે સ્થાનિક સ્તરે અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો, જેમાં ભારુભાઈનું નામ અગ્ર હરોળમાં હતું. ગૌતમભાઈએ તેમના નિધનના સમાચાર સાંભળતા જ તમામ કામો પડતા મૂકીને રૂબરૂ જવાનો નિર્ણય લીધો હતો.

ગૌતમભાઈ અદાણી ખાસ હેલિકોપ્ટર (Helicopter) દ્વારા ઝરપરા (Zarpara) ગામની સીમમાં ઉતરાણ કર્યું હતું. ત્યાંથી તેઓ સીધા જ સ્વ. ભારુભાઈ ગઢવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એક વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિને પોતાના આંગણે જોઈને ગામના લોકો અને ગઢવી પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો. ગૌતમભાઈએ પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ અત્યંત સાદગીપૂર્વક ગઢવી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

ગૌતમભાઈ અદાણીએ ગઢવી પરિવારના સભ્યો સાથે બેસીને ભારુભાઈની માંદગી અને અંતિમ સમય અંગે વિગતો મેળવી હતી. તેમણે પરિવારના મોભી ગુમાવવાના દુઃખમાં સહભાગી થઈ આશ્વાસન (Condolence) પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારુભાઈ જેવા નિષ્ઠાવાન અને સામાજિક વ્યક્તિની ખોટ માત્ર પરિવારને જ નહીં, પણ સમગ્ર સમાજને પડશે. ગૌતમભાઈએ પરિવારને હિંમત આપતા કહ્યું હતું કે તેઓ હંમેશા તેમની સાથે છે.

સમાજમાં મુલાકાતની પ્રશંસા

 

આ મુલાકાત બાદ સમગ્ર કચ્છ  પંથકમાં ગૌતમભાઈ અદાણીની આ સાદગી અને જૂના સંબંધો નિભાવવાની રીતની ભારે પ્રશંસા થઈ રહી છે. એક તરફ જ્યાં કોર્પોરેટ જગતમાં સમયની કિંમત લાખોમાં હોય છે, ત્યાં ગૌતમભાઈએ એક સામાન્ય ગ્રામીણ આગેવાનના ઘરે જઈને સાચા અર્થમાં 'માનવતા' અને 'ઋણ સ્વીકાર'ના દર્શન કરાવ્યા છે.

(2:45 PM IST)