<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભારત ‘ફુલ-સ્ટેક AI લીડર’ બનવાની ક્ષમતા ધરાવે છે : ગ્લોબલ AI સમિટ પૂર્વે ઓપન-AIના CEO સેમ ઓલ્ટમેનનું મોટું નિવેદન

અમેરિકા પછી ભારતમાં સર્વોચ્ચ ૧૦ કરોડ સાપ્તાહિક યુઝર્સ અને વિશ્વમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ચેટ-જીપીટીનો ઉપયોગ કરે છે : ભારત સરકારના ‘AI મિશન’ અને દેશના ટેક-ટેલેન્ટના ઓલ્ટમેને મુક્તકંઠે કર્યા વખાણ

નવી દિલ્હી : ભારતમાં આયોજિત ગ્લોબલ AI ઈમ્પેક્ટ સમિટમાં સહભાગી થવા ભારત આવી રહેલા ઓપન-AI (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેને ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા વિશે મોટી વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ભારત પાસે 'ફુલ-સ્ટેક AI લીડર' બનવા માટે જરૂરી તમામ તત્વો હાજર છે. ઓલ્ટમેને ભારતના ટેક-ટેલેન્ટ, રાષ્ટ્રીય રણનીતિ અને ટેકનોલોજી પ્રત્યેના સકારાત્મક અભિગમને દેશની સૌથી મોટી શક્તિ ગણાવી છે.
ચેટ-જીપીટીના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને
એક અગ્રણી અખબારમાં લેખ લખતા ઓલ્ટમેને નોંધ્યું છે કે ભારતમાં AI ટૂલ્સનો સ્વીકાર અત્યંત ઝડપી રહ્યો છે. હાલમાં ભારતમાં દર અઠવાડિયે ૧૦ કરોડ સક્રિય યુઝર્સ (Weekly Active Users) છે, જે અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ડેટા બેઝ છે. આ ઉપરાંત, વિશ્વમાં ચેટ-જીપીટીનો ઉપયોગ કરનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતમાં છે, અને ઓપન-AIના સંશોધન ટૂલ 'પ્રિઝમ' (Prism) ના વપરાશમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.
ભારત-AI મિશન અને પાયાની જરૂરિયાતો
કેન્દ્ર સરકારના 'ઈન્ડિયા-એઆઈ મિશન' (IndiaAI Mission) નો ઉલ્લેખ કરતા સેમ ઓલ્ટમેને કહ્યું કે, આ રણનીતિથી સ્ટાર્ટઅપ્સને વેગ મળશે અને આરોગ્ય, ખેતી તથા જાહેર સેવાઓમાં બહુભાષી એપ્લિકેશનને વેગ મળશે. તેમણે AI ના વ્યાપક લાભ માટે ત્રણ મુખ્ય પાસાઓ પર ભાર મૂક્યો હતો:
૧. એક્સેસ (પહોંચ): ટેકનોલોજી સુધી લોકોની સરળ પહોંચ.
૨. એડોપ્શન (સ્વીકાર): ક્લાસરૂમ અને ઓફિસમાં AI નો ઉપયોગ.
૩. એજન્સી (કાર્યક્ષમતા): લોકોમાં AI નો ઉપયોગ કરી ઝડપથી શીખવાનો આત્મવિશ્વાસ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ જ ભાગ્ય: ઓલ્ટમેન
સેમ ઓલ્ટમેને સ્પષ્ટપણે જણાવ્યું છે કે "ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ જ ભાગ્ય છે." તેમણે AI સાક્ષરતા વધારવા, કોમ્પ્યુટિંગ ક્ષમતા અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રાથમિકતા દર્શાવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો AI ની પહોંચ અસમાન રહેશે, તો તેનાથી થતા આર્થિક લાભ પણ અસમાન રહેશે. ઓપન-AI ભારતની સુરક્ષા અને વિશ્વસનીયતા સાથે કામ કરવા કટિબદ્ધ છે.
ભારતમાં વિસ્તરણની યોજના
ઓપન-AI એ ગયા ઓગસ્ટમાં દિલ્હીમાં પોતાની પ્રથમ ઓફિસ ખોલી હતી અને આ વર્ષે વધુ વિસ્તરણ કરવાની યોજના છે. ઓલ્ટમેને જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ભારત સરકાર સાથે નવી ભાગીદારીની જાહેરાત કરશે, જેથી AI ના લાભો દેશના કરોડો લોકો સુધી પહોંચી શકે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "AI ભારતનું ભવિષ્ય વ્યાખ્યાયિત કરશે અને ભારત AI નું ભવિષ્ય નક્કી કરશે."

(2:30 PM IST)