<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સાવધાન! ટ્રેનના લગેજ ડબ્બામાં મુસાફરી એટલે જેલની હવા: રેલ્વેનો નવો નિયમ, પકડાશો તો ફર્સ્ટ એસીનું ભાડું વસૂલાશે

ભીડથી બચવા લગેજ વાનમાં ઘૂસનારા મુસાફરો માટે લાલબત્તી; દંડની સાથે ૬ મહિનાની કેદ અને ભારે પેનલ્ટીની જોગવાઈથી મુસાફરોમાં ફફડાટ

નવી દિલ્હી: ભારતીય રેલ્વેમાં મુસાફરી દરમિયાન જનરલ ડબ્બામાં પગ મૂકવાની જગ્યા ન હોય ત્યારે ઘણા મુસાફરો શોર્ટકટ અપનાવી લગેજ ડબ્બા (સામાનના કોચ) માં ચઢી જતા હોય છે. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો, તો ચેતી જજો. રેલ્વે સુરક્ષા દળ (RPF) અને વિજિલન્સ ટીમે હવે આવા 'બિનઅધિકૃત' મુસાફરો સામે ઝુંબેશ તેજ કરી છે. લગેજ ડબ્બામાં મુસાફરી કરવી એ માત્ર જોખમી જ નથી, પરંતુ રેલ્વે એક્ટ ૧૯૮૯ હેઠળ એક ગંભીર ગુનો છે, જે તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.
રેલ્વે બોર્ડના નવા નિર્દેશો અનુસાર, જો કોઈ મુસાફર લગેજ વાન અથવા બ્રેક વાનમાં મુસાફરી કરતા પકડાય છે, તો તેની પાસેથી તે ટ્રેનના 1AC (ફર્સ્ટ એસી) ના ભાડા જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી શકે છે. દક્ષિણ પશ્ચિમ રેલ્વે સહિતના ઘણા ઝોનમાં આ કડક અમલ શરૂ કરી દેવાયો છે. લગેજ ભાડાના ૬ ગણા દંડની સાથે જો ગુનો ગંભીર જણાશે તો મુસાફરને ૬ મહિના સુધીની જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે, આ ડબ્બા સામાન માટે હોય છે, તેમાં વેન્ટિલેશન કે બેસવાની કોઈ વ્યવસ્થા હોતી નથી, જે અકસ્માત સમયે જાનલેવા સાબિત થઈ શકે છે.
માત્ર લગેજ ડબ્બા જ નહીં, પરંતુ જનરલ ટિકિટ લઈને સ્લીપર કે એસી કોચમાં ઘૂસનારા અથવા મહિલા અને દિવ્યાંગ કોચમાં બેસનારા પુરુષ મુસાફરો પર પણ રેલ્વેની ત્રીજી આંખ મંડાયેલી છે. રેલ્વે વહીવટીતંત્ર હવે આવા કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. મુસાફરોને આગામી સ્ટેશન પર ઉતારી દેવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેથી, ઉતાવળમાં કે ભીડના બહાને લગેજ ડબ્બામાં સવારી કરવાનું ટાળો, નહીં તો એક સસ્તી મુસાફરી તમારા ખિસ્સા અને આબરૂ બંને પર ભારે પડી શકે છે.

(2:01 PM IST)