તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
IT જગતમાં ભૂકંપ: માત્ર ૨,૫૦૦ કર્મચારીઓ અને ૧.૨૬ લાખ કરોડની કમાણી!
એન્થ્રોપિકના 'ક્લાઉડ' એઆઈએ મચાવી તબાહી; શું ટાટા અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓના સામ્રાજ્ય સામે ખતરો છે?

બેંગલુરુ/સાન ફ્રાન્સિસ્કો: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક એવો આંકડો ગુંજી રહ્યો છે જેણે મોટા ગજાની આઈટી કંપનીઓની ઉંઘ ઉડાડી દીધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની કંપની 'એન્થ્રોપિક' એ માત્ર ત્રણ વર્ષમાં ૧૪ અબજ ડોલર (આશરે ₹૧.૨૬ લાખ કરોડ) નો વાર્ષિક આવક દર હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યાં ભારતની TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ લાખો કર્મચારીઓના જોરે અબજો ડોલર કમાય છે, ત્યાં એન્થ્રોપિકે આ સિદ્ધિ માત્ર ૨,૫૦૦ કર્મચારીઓ સાથે મેળવી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે હવે વ્યવસાયમાં માણસોની સંખ્યા નહીં, પણ એઆઈની ક્ષમતા સર્વોપરી બની રહી છે.
એન્થ્રોપિકના એઆઈ મોડેલ 'ક્લાઉડ' (Claude) એ માર્કેટમાં એવી પકડ જમાવી છે કે વિશ્વની ટોચની ૧૦ માંથી ૮ ફોર્ચ્યુન કંપનીઓ હવે તેની ગ્રાહક છે. ખાસ કરીને મે ૨૦૨૫ માં લોન્ચ થયેલા 'ક્લાઉડ કોડ' સાધને તો જાદુ કર્યો છે, જેનો રન રેટ માત્ર એક મહિનામાં બમણો થઈને ૨.૫ અબજ ડોલરને વટાવી ગયો છે. આ ડેટા ભારતીય આઈટી ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે, કારણ કે વિશ્લેષકો માને છે કે એન્થ્રોપિકની ૬૦ થી ૮૦ ટકા આવક એવા પ્રોજેક્ટ્સમાંથી આવી રહી છે જે અગાઉ ભારતીય કંપનીઓ પાસે જતા હતા.
શેરબજારમાં પણ આની સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં TCS ના શેરમાં ૧૧ ટકા અને ઇન્ફોસિસમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો સૂચવે છે કે રોકાણકારો હવે પરંપરાગત આઈટી સેવાઓ કરતા એઆઈ-આધારિત કસ્ટમ સોફ્ટવેર પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ (SaaS) અને વિશાળ કોડર ટીમોનો યુગ હવે ધીમે ધીમે આથમી રહ્યો હોય તેવું લાગે છે. એન્થ્રોપિક ભલે અત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચને કારણે નફામાં નથી, પરંતુ તેની વૃદ્ધિની ગતિએ આખા આઈટી ઉદ્યોગના પાયા હચમચાવી દીધા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
