News of Saturday, 14th February 2026
ન્યૂયોર્કની કોર્ટમાં ગુપ્તાએ સ્વીકાર્યુઃ ‘મેં જ ૧૫,૦૦૦ ડોલરની સોપારી આપી હતી': ૧૫ મેના રોજ સંભળાવવામાં આવશે સજાઃ મોદી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે
ન્યૂયોર્ક કોર્ટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની સ્ફોટક કબૂલાતઃ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરામાં ગુનો સ્વીકાર્યોઃ ટ્રમ્પ સરકાર અને ભારત વચ્ચેના સંબંધોમાં મોટો વિસ્ફોટ? સંબંધોમાં તિરાડ સર્જાશે? નિખિલ ગુપ્તાએ ભારતની સંડોવણીના સંકેતો આપ્યાઃ મર્ડર ફોર હાયર કેસમાં સ્ફોટક વળાંકઃ વોટ્સએપ ચેટ અને વીડિયો પુરાવા સામે નિખિલ ગુપ્તા ભાંગી પડ્યોઃ ૨૦૨૩માં ઘડાયું હતું કાવતરું, અમેરિકાના અંડરકવર એજન્ટોએ બિછાવી હતી જાળઃ ભારતીય અધિકારીના ઈશારે કામ કર્યાનો અમેરિકી સરકારનો ગંભીર આરોપઃ રોકડ પેમેન્ટ અને ડિજિટલ પુરાવાઓએ ગુપ્તાને ફસાવ્યો

ન્યૂયોર્ક,તા.૧૪: ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેણે ભારતમાંથી બેસીને અમેરિકામાં પન્નુની હત્યા માટે ૧૫,૦૦૦ ડોલર મોકલ્યા હતા. આ કબૂલાતના કારણે હવે ૧૫ મેના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. તેને ૪૦ વર્ષની સજા પડે તેવી સંભાવના છે. આ કેસ માત્ર એક વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિનો નથી, પરંતુ તે ભારત અને અમેરિકા વચ્ચેના સુરક્ષા અને જાસૂસી સંબંધોમાં એક મોટો ટર્નિગ પોઈન્ટ સાબિત થશે. મોદી સરકારે આ બાબતે પોતાની આંતરિક તપાસ સમિતિ દ્વારા જવાબ આપવો પડશે કે શું ખરેખર કોઈ સરકારી અધિકારી આમાં સામેલ હતો કે કેમ.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થિત મેનહટન કોર્ટમાં આજે એક એવી ઘટના બની જેણે ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધોમાં ભૂકંપ લાવી દીધો છે. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા, જેની ધરપકડ ગત વર્ષે ચેક રિપબ્લિકમાંથી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમેરિકામાં પ્રત્યાર્પણ કરાયું હતું, તેણે શીખ ફોર જાસ્ટિસ (એસએફજે) ના વડા ગુરપતવંત સિહ પન્નુની હત્યાના કાવતરામાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, નિખિલ ગુપ્તાએ ભારતીય સરકારના એક કથિત અધિકારી (જેની ઓળખ સીસી-વન તરીકે આપવામાં આવી છે) ના નિર્દેશ પર પન્નુની હત્યા માટે સોપારી આપી હતી. આ માટે તેણે એક હિટમેન (ભાડૂતી હત્યારા) નો સંપર્ક કર્યો હતો, જે હકીકતમાં અમેરિકાનો એક અંડરકવર એજન્ટ હતો.
ન્યુઝ ફર્સ્ટ નો અહેવાલ જણાવે છે કે ન્યૂયોર્કની કોર્ટમાં જજ અને નિખિલ ગુપ્તા વચ્ચે થયેલો સંવાદ અત્યંત ચોંકાવનારો હતો
ન્યાયાધીશઃ તમારી સામેના ત્રણ ગંભીર ગુનાઓ અંગે તમે શું કહેવા માંગો છો?
નિખિલ ગુપ્તાઃ હું મારો ગુનો સ્વીકારું છું (ગિલ્ટી).
ન્યાયાધીશઃ તમે શું કર્યું તે વિગતવાર જણાવો.
નિખિલ ગુપ્તાઃ વસંત ૨૦૨૩ દરમિયાન, મેં અમેરિકામાં રહેતી એક વ્યક્તિની હત્યા કરવા માટે અન્ય એક વ્યક્તિ સાથે સમજૂતી કરી હતી. મેં ફોન દ્વારા સંપર્ક કરીને અમેરિકામાં રહેતી તે વ્યક્તિને ૧૫,૦૦૦ અમેરિકી ડોલર રોકડા પહોંચાડ્યા હતા.
ન્યાયાધીશઃ જ્યારે તમે આ નાણાં ચૂકવ્યા, ત્યારે તમે ભારતમાં હતા?
નિખિલ ગુપ્તાઃ હા, હું ભારતમાં હતો.
ન્યાયાધીશઃ અને તમારો ટાર્ગેટ (જેને મારવાનો હતો તે) ક્યાં હતો?
નિખિલ ગુપ્તાઃ તે અમેરિકામાં, ખાસ કરીને ક્વીન્સ વિસ્તારમાં હતો.
અમેરિકી સરકારના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાસે નિખિલ ગુપ્તા વિરુદ્ધ લોખંડી પુરાવાઓ છે, જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે
૧. ગોપનીયસ્ત્રેતની જુબાનીઃ એક વ્યક્તિ જે આ સમગ્ર ઓપરેશનમાં બાતમીદાર તરીકે કામ કરતી હતી.
૨. અંડરકવર ઓફિસરઃ અમેરિકી એજન્ટ જેણે હત્યારા તરીકે ગુપ્તા સાથે વાત કરી હતી.
૩. ડિજિટલ પુરાવાઃ વોટ્સએપ મેસેજ અને ટેક્સ્ટ મેસેજ જેમાં હત્યાના પ્લાનિગ અને ભારતીય અધિકારીના સંપર્કની વિગતો છે.
૪. નાણાકીય વ્યવહારઃ બેંક રેકોર્ડ્સ અને ૧૫,૦૦૦ ડોલરનું રોકડ પેમેન્ટ લેતા હોવાનો વીડિયો પુરાવો.
નિખિલ ગુપ્તાની આ કબૂલાત ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણાત્મક સ્થિતિ ઉભી કરી શકે છે
રાજદ્વારી દબાણઃ અત્યાર સુધી ભારત આ કેસમાં તપાસની વાત કરતું હતું, પરંતુ મુખ્ય આરોપીની કબૂલાત બાદ અમેરિકા ભારત સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના સંબંધોઃ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં ભારત સાથેના સંબંધો સુધરવાની આશા છે, પરંતુ અમેરિકી સાર્વભૌમત્વ પરના હુમલાને કોઈ પણ સરકાર હળવાશથી લેતી નથી. આ મુદ્દો હાઈ-લેવલ નેગોશિયેશનમાં અવરોધ બની શકે છે.
વૈશ્વિક છબીઃ કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે અમેરિકામાં પન્નુ કેસમાં આ વળાંક ભારતની 'નોન-ઇન્ટરફિયરન્સ' ની છબીને નુકસાન પહોંચાડી શકે છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
