News of Friday, 13th February 2026
સ્મૃતિ મંધાના-પલાશ મુછલ વિવાદમાં નવો વળાંક: હાઈકોર્ટે પલાશ સામે આક્ષેપો કરનાર 'મિત્ર' પર મૂક્યો પ્રતિબંધ; ખોટા પ્રચાર બદલ વચગાળાની રાહત
લગ્ન મુલતવી રહ્યા બાદ પલાશ પર લાગ્યા હતા ગંભીર આરોપો; બોમ્બે હાઈકોર્ટનો આદેશ- "પુરાવા વગર ટિપ્પણી કરવાનું બંધ કરો", જાણો શું છે આખો મામલો

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના અને જાણીતા સંગીતકાર પલાશ મુછલના સંબંધો અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. પલાશ મુછલ પર ગંભીર આક્ષેપો કરનાર વિજ્ઞાન માને નામના શખ્સ સામે પલાશે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં હવે બોમ્બે હાઈકોર્ટે પલાશની તરફેણમાં મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે.
વિજ્ઞાન માને, જે પોતાની જાતને સ્મૃતિ મંધાનાનો ખાસ મિત્ર ગણાવે છે, તેણે સોશિયલ મીડિયા અને મીડિયા ઇન્ટરવ્યુમાં પલાશ મુછલ સામે અનેક ગંભીર અને જાહેર આક્ષેપો કર્યા હતા. આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે વિજ્ઞાન માનેને આદેશ આપ્યો છે કે તે પલાશ સામે આવી કોઈ પણ ટિપ્પણી કરવાથી કે પ્રકાશિત કરવાથી તાત્કાલિક દૂર રહે.
પલાશ મુછલના વકીલ શ્રેયાંશ મીઠારેએ જણાવ્યું હતું કે, કોર્ટનો આ આદેશ પલાશ માટે મોટી રાહત સમાન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ કોઈ પર આરોપ લગાવે છે, તો તેની પાસે નક્કર પુરાવા હોવા જોઈએ. વિજ્ઞાન માને પાસે પલાશ વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને આ તમામ આક્ષેપો માત્ર મીડિયાનું ધ્યાન ખેંચવા અને પ્રચાર મેળવવા માટે કરવામાં આવ્યા હતા.
અગાઉ અહેવાલો આવ્યા હતા કે પલાશ અને સ્મૃતિ મંધાનાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી અને કેટલાક સમારોહ પણ પૂર્ણ થઈ ચૂક્યા હતા. જોકે, અચાનક લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. ચર્ચાઓ મુજબ, પલાશની અન્ય કોઈ મહિલા સાથેની વાતચીત આ પાછળનું કારણ હતી. જોકે, આ સમગ્ર વિવાદમાં સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું છે અને કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. હવે હાઈકોર્ટના આ આદેશ બાદ આ વિવાદ શાંત પડે છે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ ચાહકો સ્મૃતિ મંધાના તરફથી કોઈ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
