તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 11th February 2026
લખનૌ-કાનપુર હવે 'પાડોશી' બનશે: એપ્રિલથી શરૂ થશે NE-6 એક્સપ્રેસવે, માત્ર ૩૫ મિનિટમાં ૬૩ કિમીનું અંતર કપાઈ જશે!
યુપીના બે મોટા શહેરો વચ્ચેની મુસાફરીમાં ટ્રાફિકનું ટેન્શન થશે દૂર; ૪,૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો દેશનો પ્રથમ 'AI ગાઇડેડ' એક્સપ્રેસવે મુસાફરો માટે ખુલવા સજ્જ

લખનૌ : ઉત્તર પ્રદેશના બે સૌથી મહત્વના શહેરો લખનૌ અને કાનપુર વચ્ચે દરરોજ હજારો લોકો નોકરી, ધંધા કે અભ્યાસ માટે અવરજવર કરે છે. અત્યાર સુધી આ ૯૩ કિમીની મુસાફરીમાં ટ્રાફિકને કારણે ૨ થી ૩ કલાકનો સમય બરબાદ થતો હતો, પરંતુ હવે આ રાહનો અંત આવવા જઈ રહ્યો છે. નેશનલ એક્સપ્રેસવે-૬ (NE-6) તરીકે ઓળખાતો 'લખનૌ-કાનપુર એક્સપ્રેસવે' એપ્રિલ ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે.
૬ લેનનો આ આધુનિક એક્સપ્રેસવે અંદાજે ૬૩ કિમી લાંબો છે. જે લખનૌના શહીદ પથને કાનપુરના આઝાદ સ્ક્વેર (ગંગા પુલ પાસે) સાથે સીધો જોડશે. અત્યારે જે અંતર કાપવામાં કલાકો લાગે છે, તે આ એક્સપ્રેસવે ખુલ્યા પછી માત્ર ૩૫ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી દૈનિક મુસાફરોની સાથે સાથે ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને માલસામાનના પરિવહનમાં ક્રાંતિ આવશે.
આ એક્સપ્રેસવેની સૌથી ખાસ વાત એ છે કે તેના નિર્માણમાં 'AIMGC' (ઓટોમેટેડ ઇન્ટેલિજન્સ મશીન ગાઇડેડ કન્સ્ટ્રક્શન) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં રોડ પ્રોજેક્ટમાં આ ટેકનોલોજીનો પ્રયોગ પ્રથમ વખત થયો છે, જે માનવીય ભૂલો ઘટાડે છે અને રોડની ગુણવત્તાને એટલી મજબૂત બનાવે છે કે આગામી ૧૦ વર્ષ સુધી કોઈ મોટા સમારકામની જરૂર નહીં પડે.
: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આશરે ₹૪,૭૦૦ કરોડના બજેટ સાથે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. જમીન સંપાદન અને કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે નવેમ્બર ૨૦૨૫નું લક્ષ્યાંક થોડું પાછળ ગયું હતું, પરંતુ હવે NHAI ના અધિકારીઓ મુજબ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. એપ્રિલ ૨૦૨૬ થી મુસાફરો આ હાઈ-સ્પીડ રસ્તા પર વાહનો દોડાવી શકશે.
એક્સપ્રેસવે શરૂ થવાથી ભારે વાહનો અને લાંબા અંતરની બસો શહેરની અંદરના રસ્તાઓ પર નહીં આવે, જેનાથી લખનૌ અને કાનપુરના આંતરિક ટ્રાફિકમાં પણ મોટો ઘટાડો થશે. આનાથી મુસાફરી સુરક્ષિત બનશે અને ઇંધણની સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
