News of Wednesday, 11th February 2026
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને હોદ્દા પરથી દૂર કરવા વિપક્ષની નોટિસમાં ગંભીર છબરડા : સ્પીકરે પોતે જ ભૂલો સુધારી નોટિસને લિસ્ટ કરવા નિર્દેશ આપ્યો
નૈતિકતાના ધોરણે ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીના સંચાલનથી દૂરી બનાવી : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી અધ્યક્ષની ખુરશી પર નહીં બેસે : ૯ માર્ચે સુનાવણીની શક્યતા

નવી દિલ્હી, તા. 11 : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિરોધ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમને હોદ્દા પરથી દૂર કરવાની નોટિસમાં ડ્રાફ્ટિંગની ગંભીર ભૂલો સામે આવી છે. જોકે, અધ્યક્ષે આ નોટિસને ફગાવી દેવાને બદલે પોતે જ અધિકારીઓને તે સુધારવા અને વહેલી તકે લિસ્ટ કરવા સૂચના આપીને ઉચ્ચ સંસદીય પરંપરાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
૧૧૮ સાંસદોની સહી છતાં તારીખમાં મોટી ભૂલ
મંગળવારે બપોરે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિતના વિરોધ પક્ષોના ૧૧૮ સાંસદોની સહી સાથેની નોટિસ લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને સોંપવામાં આવી હતી. સંસદીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટિસમાં ફેબ્રુઆરી ૨૦૨૫ની ઘટનાઓનો ચાર વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ટેકનિકલ રીતે ખોટું હતું. નિયમો મુજબ આ ક્ષતિને કારણે નોટિસ રદ થઈ શકી હોત, પરંતુ ઓમ બિરલાએ સચિવાલયને ભૂલ સુધારી આગળ વધવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિપક્ષે નવી સુધારેલી નોટિસ રજૂ કરી હતી.
નૈતિકતાના ધોરણે ખુરશીનો ત્યાગ
અધિકારીઓએ જણાવ્યું કે, ઓમ બિરલાએ નૈતિકતાના ઉચ્ચ ધોરણો જાળવી રાખીને એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની સામેના અવિશ્વાસના પ્રસ્તાવનો પતાવટ ન થાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષની ખુરશી પર બેસીને ગૃહની કાર્યવાહીનું સંચાલન કરશે નહીં. બંધારણની કલમ ૯૪(સી) હેઠળ રજૂ કરાયેલી આ નોટિસ પર હવે ૯ માર્ચના રોજ ચર્ચા થવાની શક્યતા છે, જ્યારે બજેટ દરખાસ્તોની તપાસ માટે રજા બાદ ગૃહ ફરી મળશે.
વિપક્ષનો પક્ષપાતનો આક્ષેપ
કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈ, ચીફ વ્હીપ કે. સુરેશ અને વ્હીપ મોહમ્મદ જાવેદે આ નોટિસ સુપરત કરી હતી. વિપક્ષનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં 'સ્પષ્ટપણે પક્ષપાતી' રીતે વર્તી રહ્યા છે. બંધારણની કલમ ૯૬ મુજબ, અધ્યક્ષને ગૃહમાં પોતાનો બચાવ કરવાની તક મળે છે અને જ્યારે તેમને દૂર કરવાનો પ્રસ્તાવ હોય ત્યારે તેઓ મતદાન પણ કરી શકે છે, જોકે ટાઈ પડે તેવા કિસ્સામાં તેઓ મત આપી શકતા નથી.
હાલમાં લોકસભા સચિવાલય દ્વારા સુધારેલી નોટિસની ઝડપી સમીક્ષા કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે સંસદમાં ગરમાવો જોવા મળી શકે છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
