તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
બર્લિનમાં બરફનું તોફાન: રનવે પર બરફની ચાદર પથરાતા એરપોર્ટ ઠપ્પ, હજારો મુસાફરો અટવાયા
'બ્લેક આઈસ'ના કારણે વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ પર પ્રતિબંધ; જર્મનીમાં લાલ એલર્ટ વચ્ચે હાઈવે પર અકસ્માતોની હારમાળા

બર્લિન: જર્મનીની રાજધાની બર્લિનમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રચંડ બરફવર્ષા અને થીજી જતાં વરસાદ (Freezing Rain) ને કારણે બર્લિન એરપોર્ટને આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. એરપોર્ટના રનવે પર ‘બ્લેક આઈસ’ (કાળો બરફ) જામી જવાને કારણે વિમાનોનું લપસવાનું જોખમ વધી જતાં સત્તાવાળાઓએ તમામ કામગીરી અટકાવી દીધી છે.
રનવે બન્યો બરફનો પહાડ
એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુરુવાર સાંજથી સ્થિતિ વધુ વણસી છે. ઉત્તર-પૂર્વીય જર્મનીમાં બરફની એવી ચાદર પથરાઈ ગઈ છે કે રનવે પર મીઠું છાંટવા છતાં તે ઉડ્ડયન માટે સુરક્ષિત બની શક્યો નથી. શુક્રવારે સાંજે 7:30 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં અંદાજે 70 જેટલી લેન્ડિંગ અને 30 જેટલી ટેક-ઓફ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એરપોર્ટ અધિકારીઓના મતે, હાલમાં આખું એરપોર્ટ "બરફના ઢગલા" જેવું દેખાય છે.
રેડ એલર્ટ અને હાઈવે પર અકસ્માતો
જર્મન હવામાન સેવા (DWD) એ બર્લિનથી બાલ્ટિક સમુદ્ર સુધીના વિસ્તારો માટે 'રેડ વોર્નિંગ' જારી કરી છે. રસ્તાઓ પર બરફ જામી જવાથી વાહનો ચલાવવા જોખમી બન્યા છે. પોટ્સડેમ નજીક હાઈવે પર બરફને કારણે સર્જાયેલા શ્રેણીબદ્ધ અકસ્માતોમાં 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. છેલ્લા 30 વર્ષોની સરખામણીએ આ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જર્મનીમાં રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ છે.
મુસાફરો માટે મુશ્કેલી
એરપોર્ટ બંધ થવાને કારણે હજારો પ્રવાસીઓ ટર્મિનલ પર અટવાઈ પડ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે. પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તે અંગે હજુ કોઈ ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો નથી. પર્યાવરણીય ચિંતાઓને કારણે બર્લિનમાં રસ્તાઓ પર મીઠાનો ઉપયોગ મર્યાદિત રખાયો હતો, જે હવે આફતનું કારણ બન્યો હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
