<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

એપલનો ‘માસ્ટરસ્ટ્રોક’: હવે ફ્લિપ અવતારમાં આવશે ફોલ્ડેબલ આઇફોન, સેમસંગના ગઢમાં પડશે ગાબડું!

બુક-સ્ટાઈલ નહીં પણ ક્લેમશેલ ડિઝાઈન સાથે બજારમાં એન્ટ્રી કરશે એપલ: આ વર્ષે જ લોન્ચિંગની શક્યતા, 48MP કેમેરા અને અત્યંત મજબૂત હિન્જ સાથે ટેક જગતમાં મચાવશે ખળભળાટ

ક્યુપરટિનો:સ્માર્ટફોન જગતની દિગ્ગજ કંપની એપલ હવે ફોલ્ડેબલ ફોનના બજારમાં ક્રાંતિ લાવવા તૈયાર છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે એપલનો પહેલો ફોલ્ડેબલ ફોન 'ક્લેમશેલ' ડિઝાઈન એટલે કે સેમસંગ ઝેડ ફ્લિપ જેવો હશે. જાણીતા ટેક એનાલિસ્ટ માર્ક ગુરમેનના લીક્સ મુજબ, કંપની હવે મોટી સ્ક્રીનવાળા ટેબ્લેટ જેવા ફોન કરતા નાના અને ખિસ્સામાં સમાઈ જાય તેવા સ્ક્વેર ડિઝાઈનવાળા ફોન પર વધુ ધ્યાન આપી રહી છે.
એપલ હંમેશા તેની પ્રોડક્ટની ફિનિશિંગ અને મજબૂતી માટે જાણીતું છે. ફોલ્ડેબલ ફોનમાં સૌથી મોટી સમસ્યા તેની 'હિન્જ' (વચ્ચેનો સાંધો) માં જોવા મળે છે, જે સમય જતાં નબળી પડી જાય છે. જોકે, એપલ તેના પ્રોટોટાઇપમાં એક ખાસ પ્રકારની હિન્જ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે જે ફોનને લાખો વખત ફોલ્ડ કરવા છતાં ખરાબ નહીં થાય.
જો એપલ આ વર્ષે ફ્લિપ આઇફોન લોન્ચ કરે છે, તો તે માર્કેટમાં પહેલેથી જ લોકપ્રિય એવા Samsung Galaxy Z Flip 7 અને Motorola Razr ને સીધી સ્પર્ધા આપશે. રિપોર્ટ્સ મુજબ, એપલે મોટા ફોલ્ડેબલ આઇફોન (બુક-સ્ટાઈલ) ના પ્લાનને વર્ષ ૨૦૨૯ સુધી પાછળ ઠેલવી દીધો છે અને અત્યારે નાની ડિઝાઈન પર કામ કરી રહ્યું છે જેથી બજારમાં જોખમ ઓછું રહે.
  નવીનતમ વિગતો મુજબ, આ ફોલ્ડિંગ આઇફોનમાં ૪૮ મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા હશે. આ કેમેરામાં ખાસ કરીને મોટા સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે જે ઓછા પ્રકાશમાં પણ શાનદાર ફોટોગ્રાફી માટે સક્ષમ હશે. ડિઝાઈન પ્રીમિયમ હશે અને ફોલ્ડ કર્યા બાદ તે અરીસા જેવો ચોરસ આકાર ધારણ કરશે, જે દેખાવમાં અત્યંત આકર્ષક હશે. એપલના આ નવા સાહસથી સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર 'એપલ કલ્ટ' શરૂ થઈ શકે છે.

(8:35 PM IST)