<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

YouTube એ તોડી નાખી ભાષાની દીવાલ: હવે વિદેશી યુટ્યુબર્સ પણ ગુજરાતી-હિન્દીમાં બોલશે : આવી ગઈ અનોખી 'ડબિંગ' સુવિધા!

મિસ્ટર બીસ્ટ હોય કે કોઈ કોરિયન વ્લોગર, હવે દરેક વીડિયો તમારી માતૃભાષામાં સંભળાશે: AI ટેક્નોલોજીની મદદથી યુટ્યુબે 27 ભાષાઓમાં ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કરી મનોરંજનની દુનિયા બદલી નાખી

નવી દિલ્હી:  ડિજિટલ દુનિયામાં અત્યાર સુધી ભાષા એક મોટો અવરોધ હતી, પરંતુ હવે YouTube એ 'ઓટો-ડબિંગ' ફીચર લાવીને સરહદો ભૂંસી નાખી છે. હવે તમારે વિદેશી વીડિયો સમજવા માટે સબટાઈટલ વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે યુટ્યુબનું આ નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર આપમેળે વીડિયોને તમારી પસંદગીની ભાષામાં ડબ કરી દેશે. આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર ડિસેમ્બર 2025 માં જ લગભગ 60 લાખ લોકોએ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કર્યો છે. હવે તમે ફ્રેન્ચ, જર્મન કે જાપાનીઝ વીડિયોને હિન્દી, પંજાબી કે તમિલ જેવી ભારતીય ભાષાઓમાં આરામથી સાંભળી શકશો.

આ સુવિધા માત્ર અવાજ બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં 'એક્સપ્રેસિવ સ્પીચ મેચિંગ' ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ડબિંગ થયેલો અવાજ માત્ર રોબોટિક નહીં લાગે, પરંતુ મૂળ સર્જકની ઉર્જા, ગુસ્સો કે ખુશી જેવી લાગણીઓ પણ તે અવાજમાં અકબંધ રહેશે. હાલમાં અંગ્રેજી, હિન્દી સહિત આઠ મુખ્ય ભાષાઓમાં આ ભાવનાત્મક ડબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય યુટ્યુબ 'લિપ-સિંક' નામના એક અદભૂત ફીચરનું પણ પરીક્ષણ કરી રહ્યું છે, જે ડબિંગ કરેલા અવાજ મુજબ વીડિયોમાં બોલનાર વ્યક્તિના હોઠના હલનચલનને પણ એડજસ્ટ કરી દેશે, જેથી જોનારને એમ જ લાગશે કે તે વ્યક્તિ તમારી જ ભાષામાં બોલી રહ્યો છે.

સર્જકો માટે પણ આ સુવિધા વરદાન સાબિત થશે, કારણ કે હવે તેમનો કન્ટેન્ટ કોઈ પણ વધારાના ખર્ચ વગર વૈશ્વિક સ્તરે પહોંચી શકશે. યુટ્યુબના સ્માર્ટ ફિલ્ટર્સ એટલા પાવરફુલ છે કે તે મ્યુઝિક વીડિયો કે શાંત વ્લોગ્સને ડબિંગથી અલગ રાખશે જેથી તેની મૂળ મજા બગડે નહીં. જો તમે સેટિંગ્સમાં તમારી પસંદગીની ભાષા સેટ કરી દેશો, તો યુટ્યુબ આપમેળે વિદેશી કન્ટેન્ટને તમારી ભાષામાં રજૂ કરશે. આ ટેક્નોલોજીથી હવે જ્ઞાન અને મનોરંજન માત્ર અંગ્રેજી જાણતા લોકો સુધી સીમિત નહીં રહે, પરંતુ દરેક સામાન્ય વ્યક્તિ વિશ્વભરની માહિતી પોતાની ભાષામાં મેળવી શકશે.

(7:23 PM IST)