<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

EPF ખાતાધારકો માટે લોટરી: નોકરી છૂટ્યા પછી પણ પૈસા વધતા જ રહેશે, જાણો EPFOનો નવો 'પાવર પ્લાન'

શું તમે પણ નોકરી છોડ્યા પછી PF ઉપાડવાની ઉતાવળમાં છો? થોભો! હવે 58 વર્ષની ઉંમર સુધી તમારા ખાતામાં વ્યાજની ગંગા વહેતી રહેશે : 3 વર્ષમાં વ્યાજ બંધ થવાની વાત માત્ર અફવા સાબિત થઈ

નવી દિલ્હી :  ઘણીવાર લોકો એવી ગેરસમજમાં હોય છે કે જો નોકરી છોડી દીધી હોય અને પીએફ ખાતામાં નવું યોગદાન ન આવતું હોય, તો ત્રણ વર્ષ પછી વ્યાજ મળતું બંધ થઈ જાય છે. પરંતુ EPFO એ સ્પષ્ટ કર્યું છે કે આ માન્યતા તદ્દન ખોટી છે. વાસ્તવમાં, જો તમે 40 કે 45 વર્ષની ઉંમરે નોકરી છોડી દો અને તમારા PF ના પૈસા ઉપાડતા નથી, તો પણ સરકાર તમને 58 વર્ષની ઉંમર સુધી દર વર્ષે નક્કી કરેલા દરે વ્યાજ આપતી રહેશે. આનો અર્થ એ થયો કે તમારું ભંડોળ સુરક્ષિત રીતે વધતું રહેશે અને તમારે નિવૃત્તિ સુધી નાણાકીય ચિંતા કરવાની જરૂર નથી.

આ નિયમ પાછળનો મુખ્ય હેતુ કર્મચારીઓની લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવાનો છે. અગાઉના સમયમાં, ત્રણ વર્ષ સુધી લેવડ-દેવડ વગરના ખાતાને 'નિષ્ક્રિય' ગણી વ્યાજ રોકી દેવામાં આવતું હતું, પરંતુ હવે નિયમો બદલાયા છે. હવે ખાતું ત્યારે જ નિષ્ક્રિય ગણાશે જ્યારે તમે 58 વર્ષની વય વટાવી ગયા હોવ અને તેમ છતાં પૈસા ઉપાડ્યા ન હોય. જો તમે 58 વર્ષની વયે નિવૃત્ત થાઓ છો, તો તમને આગામી 3 વર્ષ સુધી એટલે કે 61 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળી શકે છે, પરંતુ તે પછી વ્યાજ મળતું કાયમી ધોરણે બંધ થઈ જશે.

જો કે, નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમે નવી નોકરી શરૂ કરી હોય, તો જૂના પીએફને નવા ખાતામાં ટ્રાન્સફર કરવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આનાથી તમારું ફંડ એકીકૃત રહે છે અને નિવૃત્તિ સમયે એક મોટી રકમ હાથમાં આવે છે. વળી, જો તમે 10 વર્ષથી વધુ સમય સુધી યોગદાન આપ્યું હોય, તો તમે પેન્શનના પણ હકદાર બનો છો. તેથી, વગર વિચારે ઉતાવળમાં પીએફ ઉપાડી લેવાને બદલે, તેને 58 વર્ષ સુધી વધવા દેવું એ સમજદારીભર્યું રોકાણ સાબિત થઈ શકે છે.

(5:58 PM IST)