<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પોકેમોન દુનિયા હવે વાસ્તવિક બનશે: ટોક્યોમાં ખુલ્યો વિશ્વનો પ્રથમ કાયમી ‘પોકેપાર્ક’, પીકાચુ કરશે તમારું સ્વાગત!

યોમિયુરી લેન્ડમાં ‘પોકેપાર્ક કાન્ટો’નું ભવ્ય ઉદ્ઘાટન: બે મહિના સુધીની તમામ ટિકિટો એડવાન્સમાં બુક, જંગલમાં પોકેમોન પકડવાનો મળશે લ્હાવો

ટોક્યો, તા.5: જો તમે પણ પોકેમોન જોઈને મોટા થયા છો, તો તમારા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વેકેશન ડેસ્ટિનેશન તૈયાર છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ગુરુવારે પ્રથમ કાયમી પોકેમોન થીમ પાર્ક ‘પોકેપાર્ક કાન્ટો’ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્ક ટોક્યોના સૌથી મોટા મનોરંજન પાર્ક 'યોમિયુરી લેન્ડ'માં બનાવવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે પાર્ક ખુલતાની સાથે જ એટલો ક્રેઝ જોવા મળ્યો છે કે આગામી બે મહિના સુધીની તમામ ટિકિટો અત્યારથી જ વેચાઈ ગઈ છે.

આ પાર્ક 1996માં શરૂ થયેલી પોકેમોનની મૂળભૂત વાર્તા અને 'કાન્ટો' રીજન પર આધારિત છે. પાર્કમાં પ્રવેશતાની સાથે જ લોકપ્રિય ઇલેક્ટ્રિક માઉસ 'પીકાચુ' અને અન્ય પોકેમોન્સના વિશાળ પૂતળાં પ્રવાસીઓનું સ્વાગત કરે છે. આ પાર્કને ખાસ કરીને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે મુલાકાતીઓને સાચો પોકેમોન ટ્રેનર હોવાનો અનુભવ થાય. જાપાનમાં અત્યારે રેકોર્ડબ્રેક પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે આ પાર્ક પર્યટન ક્ષેત્રે નવું આકર્ષણ બન્યું છે.

જંગલ એડવેન્ચર અને 110 પગથિયાંનો પડકાર

પાર્કને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે 'આઉટડોર ઝોન', જે અડધા કિલોમીટર લાંબો ડુંગરાળ વિસ્તાર છે. અહીં કુદરતી વાતાવરણમાં છુપાયેલા પોકેમોન્સને શોધવાની મજા આવશે. જોકે, આ જંગલ વિસ્તારમાં જવા માટે મુલાકાતીઓએ 110 પગથિયાં ચઢવા પડે છે, જે એક સાહસિક અનુભવ છે. બીજો ભાગ એક આધુનિક શહેર જેવો છે જ્યાં વિવિધ રાઈડ્સ, ગેમ્સ અને પોકેમોન મર્ચેન્ડાઈઝ ખરીદવા માટે શોપિંગ સેન્ટર્સ આવેલા છે.

પાર્કની ખાસિયતો:

  • થીમ: પોકેમોનની શરૂઆતની ગેમ્સ અને કાન્ટો રીજન પર આધારિત.
  • લોકેશન: યોમિયુરી લેન્ડ (Yomiuri Land), ટોક્યો.
  • આકર્ષણ: પોકેમોન ગો (Pokémon GO) જેવો રિયલ લાઈફ અનુભવ અને ફોટો પોઈન્ટ્સ.
  • ભવિષ્ય: ઓસાકામાં યુનિવર્સલ સ્ટુડિયો જાપાન પણ ટૂંક સમયમાં પોકેમોન રાઈડ્સ શરૂ કરવાની તૈયારીમાં છે.

(4:56 PM IST)