<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સંસદમાં ધમાલઃ બાળકના હાથમાં પક્ષને બંધક ન બનાવોઃ નડ્ડાના ખડગે પર પ્રહારો

જેપી નડ્ડાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમને ‘મૂર્ખ' ગણાવી કોંગ્રેસને આત્‍મમંથન કરવાની સલાહ આપી : પુસ્‍તક મુદ્દે રાજ્‍યસભામાં પણ ભારે હોબાળોઃ ખડગેએ સરકારને લોકશાહીની વિરોધી ગણાવી

નવી દિલ્‍હી, તા.૫: સંસદના ચોમાસુ સત્રમાં અત્‍યારે ભારે રાજકીય હંગામો જોવા મળી રહ્યો છે. લોકસભામાં શરૂ થયેલો ગતિરોધ હવે રાજ્‍યસભાના ઉંબરે આવી પહોંચ્‍યો છે, જ્‍યાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે. ગળહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર વળતો પ્રહાર કરતા અત્‍યંત તીખી ટિપ્‍પણી કરી હતી. નડ્ડાએ લાલઘૂમ થઈને કહ્યું કે, તમારા પક્ષને એક નિર્દોષ બાળકના હાથમાં બંધક ન બનાવો. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા ઉમેર્યું કે અજ્ઞાનતા અને અહંકારનું મિશ્રણ લોકશાહી માટે ઘાતક છે. નડ્ડાએ કોંગ્રેસને આડકતરી રીતે ચેતવણી આપી કે જો તેઓ આ મૂર્ખતામાંથી બહાર નહીં આવે તો દેશના મહત્‍વના મુદ્દાઓ પર કયારેય સાર્થક ચર્ચા થઈ શકશે નહીં.

આ વિવાદનું મૂળ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના પુસ્‍તક ફોર સ્‍ટાર્સ ઓફ ડેસ્‍ટિનીમાં છુપાયેલું છે. લોકસભામાં રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ અંગેના આ પુસ્‍તકના કેટલાક અંશો વાંચવાનો આગ્રહ રાખ્‍યો હતો, પરંતુ સ્‍પીકરે તેને રાષ્‍ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ ગણાવીને મંજૂરી આપી ન હતી. આ મુદ્દે લોકસભામાં છેલ્લા ચાર દિવસથી મડાગાંઠ ચાલી રહી છે, જેના કારણે બુધવારે વડાપ્રધાન મોદી રાષ્‍ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપી શકયા ન હતા. વિપક્ષનો આરોપ છે કે સરકાર સેનાના પૂર્વ વડાના પુસ્‍તક પર ચર્ચા કરતા ગભરાઈ રહી છે, જ્‍યારે સરકારનું કહેવું છે કે સંવેદનશીલ લશ્‍કરી બાબતોને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ.

ગુરુવારે રાજ્‍યસભામાં પણ સ્‍થિતિ બેકાબૂ બની હતી જ્‍યારે મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષ પર ઘમંડી હોવાનો આરોપ લગાવ્‍યો હતો. ખડગેએ દલીલ કરી હતી કે જો સંસદના એક ગળહમાં વિપક્ષના અવાજને દબાવવામાં આવશે, તો તેની ગુંજ બીજા ગળહમાં સંભળાવી સ્‍વાભાવિક છે. જોકે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્‍પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધીને નિર્ધારિત સમય કરતાં વધુ સમય આપવામાં આવ્‍યો હોવા છતાં તેમણે ગળહના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. હાલમાં સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્‍ચેનો આ ઈગો વોર ટોચ પર છે, જેના કારણે દેશના મહત્‍વના કાયદાકીય કામકાજ પર જોખમ તોળાઈ રહ્યું છે.

(3:40 PM IST)