News of Wednesday, 4th February 2026
દરભંગામાં 'મહાભારત': મજૂરીના પૈસા માંગતા લોહિયાળ જંગ : આખું ગામ FIR ની ઝપેટમાં!
વર્ષો જૂના ₹2.5 લાખના લેણાંમાં હરિનગર ગામ રણમેદાનમાં ફેરવાયું; 70 બ્રાહ્મણો અને 150 અજાણ્યા શખ્સો સામે SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ : પથ્થરમારામાં મહિલાઓ અને બાળકો લોહીલુહાણ થતા તણાવ

દરભંગા : બિહારના દરભંગા જિલ્લાનું હરિનગર ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક સામાન્ય નાણાકીય વ્યવહારનો વિવાદ જોતજોતામાં જ્ઞાતિવાદના હિંસક વમળમાં ફસાઈ ગયો છે. ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2015 માં કૈલાશ પાસવાને હેમકાંત ઝાનું મકાન બનાવ્યું હતું, જેના આશરે ₹2.47 લાખ બાકી હતા. જ્યારે પાસવાન પરિવારે આ પરસેવાની કમાણીના પૈસા માંગ્યા, ત્યારે મામલો ઉકેલાવાને બદલે વણસી ગયો. આક્રોશમાં આવેલા ટોળાએ લાકડીઓ અને સળિયા વડે હુમલો કરતા ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના લાઈવ વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
આ હિંસક અથડામણમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં નિર્દોષ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક DMCH ના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી એટલી કડક રહી છે કે ગામના લગભગ તમામ 70 બ્રાહ્મણ પુરુષો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય 150 અજાણ્યા લોકો પર પણ કાયદાનો ગાળિયો કસાયો છે. અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે આખા પંથકમાં ભય અને સન્નાટાનો માહોલ છે.
બિરૌલના એસડીપીઓ પ્રભાકર તિવારીએ જણાવ્યું કે આ મામલો સંપૂર્ણપણે લેવડદેવડનો છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો તેને સાંપ્રદાયિક અને જાતિવાદનો રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે જેથી સ્થિતિ વધુ ન બગડે. વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પર નજર રાખવામાં આવી રહી છે જેથી અફવાઓ ન ફેલાય. આ ઘટનાએ બિહારમાં મજૂરોના હકો અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા સામાજિક તણાવને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
