<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાજસ્થાનમાં સંતોના મોતના તાંડવથી ખળભળાટ: સાધ્વી પ્રેમ બૈસા બાદ હવે પૂજારી હીરાલાલ નાથનો લટકતો મળ્યો મૃતદેહ

જયપુરના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં પૂજારીએ આત્મહત્યા કરતા પહેલા વોટ્સએપ પર લખ્યું- "હું 41 દિવસના મૌન ઉપવાસ પર ઉતરી રહ્યો છું, કોઈ ખલેલ ન પહોંચાડતા": પ્રેમ બૈસાના મોતનું રહસ્ય હજુ અકબંધ ત્યાં વધુ એક સંતની વિદાયથી તંત્ર દોડતું થયું

જયપુર:  રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી આધ્યાત્મિક જગતમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. જોધપુરમાં સાધ્વી પ્રેમ બૈસાના શંકાસ્પદ મૃત્યુની તપાસ હજુ ચાલી જ રહી છે, ત્યાં જયપુરના ચૌમુ વિસ્તારમાં આવેલા સમોદના ઓમ શિવ ગોરખનાથ મંદિરના પૂજારી હીરાલાલ નાથનો મૃતદેહ તેમના જ રૂમમાં ફાંસીએ લટકતો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કાનપુરા અમેઠી ખીણના શાંત વાતાવરણમાં બનેલી આ ઘટનાએ અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. પોલીસે રૂમનો દરવાજો તોડીને પૂજારીના પાર્થિવ દેહને બહાર કાઢ્યો હતો, જે જોઈને સ્થાનિક ભક્તો અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક પૂજારીએ આત્મહત્યા પહેલા કરેલો વોટ્સએપ મેસેજ છે. હીરાલાલ નાથે એક ગ્રુપમાં મેસેજ છોડ્યો હતો કે તેઓ 41 દિવસના કઠિન મૌન ઉપવાસ અને તપસ્યા પર જઈ રહ્યા છે, તેથી કોઈએ તેમને ખલેલ પહોંચાડવી નહીં. આ મેસેજ પાછળનો આશય શું હતો અને તે ખરેખર પૂજારીએ જ લખ્યો હતો કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હીરાલાલ નાથ વર્ષોથી આ મંદિરમાં સેવા આપતા હતા અને સ્થાનિક લોકોમાં તેઓ ગંભીર તેમજ અતડા સ્વભાવના સાધુ તરીકે જાણીતા હતા. તેમના અચાનક આવા અંતે આધ્યાત્મિક વર્તુળોમાં શોક અને શંકાની લાગણી જન્માવી છે.

હાલમાં પોલીસે પૂજારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં ખસેડ્યો છે. બીજી તરફ, જોધપુરમાં સાધ્વી પ્રેમ બૈસાના મોત અંગે ગઠિત કરાયેલી SIT ટીમ એક અઠવાડિયા પછી પણ કોઈ નક્કર પુરાવા શોધી શકી નથી. રાજસ્થાનમાં એક પછી એક સંતોના મોત અને ખાસ કરીને હીરાલાલ નાથ દ્વારા આત્મહત્યા માટે અપનાવવામાં આવેલી આ પદ્ધતિ પાછળ કોઈ માનસિક તણાવ હતો કે અન્ય કોઈ રહસ્ય, તે પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ હાલમાં મંદિરના સ્ટાફ અને પૂજારીના નજીકના સંપર્કોની સઘન પૂછપરછ કરી રહી છે.

(7:51 PM IST)