<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ચીને બિસ્તરા પોટલાં બાંધ્યા : બલૂચિસ્તાનમાંથી ચીની સેના અને એન્જિનિયરોની પીછેહઠ : ગ્વાદર પ્રોજેક્ટ પર લાગ્યું તાળું

BLA ના પ્રચંડ હુમલા સામે પાકિસ્તાની સેના લાચાર : ચીને જીવ બચાવવા ગ્વાદરમાં તમામ ઓપરેશન કર્યા સ્થગિત: શી જિનપિંગના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ CPEC નો ફિયાસ્કો અને શાહબાઝ સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષે હવે નિર્ણાયક વળાંક લીધો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓએ પાકિસ્તાની સેનાને હંફાવીને ગ્વાદર સહિતના વ્યૂહાત્મક વિસ્તારોમાંથી ચીની પ્રભુત્વને જડબાતોડ જવાબ આપ્યો છે. સતત થતા આત્મઘાતી હુમલા અને સુરક્ષામાં મોટી ખામીઓને જોતા ચીન સરકારે ગ્વાદરમાં તેની તમામ ભૂમિ કામગીરી (Ground Operations) સત્તાવાર રીતે સ્થગિત કરી દીધી છે. આ ઘટના પાકિસ્તાન માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટું અપમાન સાબિત થઈ રહી છે, કારણ કે તે પોતાના સૌથી મોટા રોકાણકાર ચીનને સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.

બલૂચિસ્તાનના ૧૦ થી વધુ જિલ્લાઓ પર હવે BLA નું નિયંત્રણ હોવાના અહેવાલો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ જે ચીની પ્રોજેક્ટ્સને દેશની આર્થિક કરોડરજ્જુ ગણાવતા હતા, તે હવે ખંડેર જેવી હાલતમાં મુકાઈ ગયા છે. ચીને સમજી લીધું છે કે પાકિસ્તાની સેના હવે બલૂચ લડવૈયાઓ સામે લડવા સક્ષમ નથી. ગ્વાદર બંદર, જે ચીન માટે હિંદ મહાસાગરનું પ્રવેશદ્વાર હતું, તે હવે બલૂચોના પ્રતિકારને કારણે સુમસામ ભાસી રહ્યું છે. ચીની એન્જિનિયરો અને શ્રમિકોને પાછા બોલાવી લેવા એ બેઇજિંગ માટે કોઈ મોટા પરાજયથી ઓછું નથી.

આ પીછેહઠ પાછળ બલૂચિસ્તાનના લોકો પર થયેલા વર્ષોના અત્યાચારોનો આક્રોશ જવાબદાર છે. CPEC ના નામે ચીને બલૂચિસ્તાનની કુદરતી સંપત્તિ લૂંટી અને સ્થાનિક માછીમારોની આજીવિકા છીનવી લીધી હતી. ગ્વાદરને 'લોખંડની વાડ' થી ઘેરીને એક જેલ જેવું બનાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે જનતામાં ભારે રોષ હતો. હવે જ્યારે ચીન ત્યાંથી વિદાય લઈ રહ્યું છે, ત્યારે તેને ભારત માટે એક મોટી વ્યૂહાત્મક જીત તરીકે જોવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાના સૈનિકોના મૃતદેહો અને ચીની પ્રોજેક્ટ્સ પર લહેરાતા BLA ના ધ્વજ એ વાતની સાક્ષી પૂરે છે કે બલૂચિસ્તાનમાં હવે પાકિસ્તાનનો અંકુશ ખતમ થઈ રહ્યો છે.

(7:50 PM IST)