<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અમેરિકામાં ફ્લાઇટમાં મહિલાની છેડતી કરનાર ભારતીય મૂળના શખ્સને ૨ વર્ષની જેલ; સજા બાદ કરાશે દેશનિકાલ

સૂતી મહિલા પર જાતીય હુમલો કરી ઊંઘવાનો ડોળ કરવો વરુણ અરોરાને ભારે પડ્યો; અમેરિકામાં ગેરકાયદેસર રહેતો હોવાનો પણ થયો ખુલાસો

વોશિંગ્ટન: હવાઈ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી એક ઘટનામાં, વર્જિનિયાની ફેડરલ કોર્ટે ૩૮ વર્ષીય વરુણ અરોરાને દોષિત ઠેરવી જેલની સજા ફટકારી છે. આરોપીએ રોડ આઇલેન્ડથી વોશિંગ્ટન જતી ફ્લાઇટમાં તેની બાજુમાં બેઠેલી મહિલા મુસાફર સાથે અશોભનીય વર્તન અને જાતીય હુમલો કર્યો હતો.

ઊંઘનો ડોળ કરી આચર્યું શરમજનક કૃત્ય

આ ઘટના ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બની હતી. પીડિતા પોતાની સીટ પર સૂઈ રહી હતી ત્યારે વરુણ અરોરાએ તેની છેડતી શરૂ કરી હતી. જ્યારે મહિલા જાગી ગઈ અને તેણે પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ બચવા માટે અત્યંત ચાલાકી વાપરી હતી. તેણે તુરંત 'સ્લીપ માસ્ક' પહેરી લીધો અને જાણે તે ગાઢ નિદ્રામાં હોય તેવો ડોળ કરવા લાગ્યો હતો. જોકે, મહિલાએ સતર્કતા દાખવી વિરોધ નોંધાવતા સમગ્ર મામલો સત્તાવાળાઓ સુધી પહોંચ્યો હતો.

ગેરકાયદેસર વસવાટનો પણ ફૂટ્યો ભાંડો

તપાસ દરમિયાન અમેરિકન એજન્સીઓને જાણવા મળ્યું કે વરુણ અરોરા પાસે અમેરિકામાં રહેવા માટેના કોઈ માન્ય દસ્તાવેજો નથી અને તે ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જ્યુરીએ તેને ઇરાદાપૂર્વક ઉત્પીડન કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.

કડક સજા અને દેશનિકાલ

ફેડરલ કોર્ટે વરુણ અરોરાને ૨ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેલમાં સજા પૂર્ણ કર્યા બાદ આરોપીને તાત્કાલિક અમેરિકામાંથી દેશનિકાલ (Deport) કરવામાં આવશે. આ ચુકાદો આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરોની સુરક્ષા પ્રત્યેની કડકાઈ દર્શાવે છે.

(6:53 PM IST)