<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

મુંબઈ લોકલની 'આયર્ન લેડી': ૮૯ વર્ષની ઉંમરે ટ્રેનમાં બંગડી વેચી ગુજરાન ચલાવે છે કમલાબા

સગા ભાઈના ઘરમાં રહેવા ચૂકવે છે ભાડું; જખમી હૈયે પણ ગૌરવ સાથે કહે છે - "હું મજબૂત સ્ત્રી છું!"

મુંબઈ : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સાથે જ સમાજની કડવી વાસ્તવિકતા પર સવાલો પણ ઉભા કર્યા છે. વીડિયોમાં ૮૯ વર્ષના એક વૃદ્ધા, કમલાબેન મહેતા, ચહેરા પર સ્મિત અને આંખોમાં ખુમારી સાથે ટ્રેનમાં બંગડીઓ અને બ્રેસલેટ વેચતા જોવા મળે છે.
૬૦ વર્ષનો સંઘર્ષ અને સ્વાભિમાન
મૂળ નાલાસોપારાના અને હાલ માટુંગામાં રહેતા કમલાબા છેલ્લા ૬૦ વર્ષથી મુંબઈની ટ્રેનોમાં ફેરી કરી રહ્યા છે. આ ઉંમરે જ્યારે લોકો લાકડીના ટેકે ચાલતા હોય છે, ત્યારે કમલાબા ટ્રેનના ધક્કા સહન કરીને મહેનતની કમાણી કરે છે. સોશિયલ મીડિયા પર મીતા શાહ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં કમલાબા ગૌરવ સાથે ગુજરાતીમાં કહે છે, "હું એક મજબૂત સ્ત્રી છું!" તેમનું આ વાક્ય હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે.
પરિવારના સદસ્ય જ વસૂલે છે 'ભાડું'
વીડિયોમાં કમલાબાએ એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. તેમણે જણાવ્યું કે તેઓ હાલ તેમના ભાઈના ઘરે રહે છે અને ત્યાં રહેવા બદલ તેઓ દર મહિને ૭,૫૦૦ રૂપિયા ભાડું ચૂકવે છે (એટલે કે રોજના ૨૫૦ રૂપિયા). આ રકમમાં ભોજનનો સમાવેશ થતો નથી! જો તેમને ભોજન પણ જોઈતું હોય, તો ભાઈએ ૧૦,૦૦૦ રૂપિયા માસિક ભાડું ચૂકવવાની શરત રાખી છે. પોતાના જ લોહીના સબંધોમાં આટલી નિર્દયતા હોવા છતાં કમલાબા કોઈની પાસે હાથ ફેલાવવાને બદલે પરસેવો પાડીને કમાવવામાં માને છે.
સોશિયલ મીડિયા પર ઉભરો
આ વીડિયો જોયા પછી નેટીઝન્સમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કોઈએ લખ્યું કે, "આ ઉંમરે આવી સ્વતંત્રતા પ્રેરણાદાયક છે, પણ આટલો સંઘર્ષ જોઈને દિલ તૂટી જાય છે." તો વળી કોઈએ રોષ ઠાલવતા લખ્યું કે, "જો બાળ મજૂરી ગુનો હોય, તો વૃદ્ધાવસ્થામાં થતી મજૂરી પણ ગુનો ગણાવી જોઈએ." ઘણા લોકો હવે કમલાબાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.
કમલાબેન મહેતા માત્ર બંગડીઓ નથી વેચતા, પણ એ તમામ લોકો માટે એક પાઠ છે જેઓ નાની મુસીબતોમાં હિંમત હારી જાય છે.

(6:01 PM IST)