<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ભારતનું અનોખું રેલ્વે સ્ટેશન: જેનું નામ બોલતા જીભ લોચો વળી જશે, ટિકિટ લેવામાં પણ છૂટી જાય છે પરસેવો!

૨૮ અક્ષરોનું બનેલું છે આ સ્ટેશનનું નામ; જાણો આંધ્રપ્રદેશના આ અટપટા સ્ટેશન પાછળનું રહસ્ય અને વિશ્વનો સૌથી લાંબો રેકોર્ડ

નવી દિલ્હી:  સામાન્ય રીતે રેલ્વે સ્ટેશનોના નામ નાના અને યાદ રહી જાય તેવા હોય છે, પણ ભારતમાં એક એવું સ્ટેશન છે જેનું નામ કોઈ કોયડાથી ઓછું નથી. જો તમે આ સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર જઈને તેનું પૂરું નામ બોલવાનો પ્રયત્ન કરશો, તો કદાચ ટ્રેન છૂટી જાય પણ નામ પૂરું ન થાય! ૨૮ અક્ષરો ધરાવતું આ નામ ભારતીય રેલ્વેના ઇતિહાસમાં સૌથી લાંબુ નામ હોવાનો રેકોર્ડ ધરાવે છે.
શું છે આ અટપટું નામ?
આંધ્રપ્રદેશમાં આવેલું આ અનોખું રેલ્વે સ્ટેશન તમિલનાડુની સરહદ પાસે સ્થિત છે. આ સ્ટેશનનું આખું નામ છે: 'વેંકટનરસિમ્હારાજુવારીપેટા' (Venkatanarasimharajuvaripeta). હા, તમે બરાબર વાંચ્યું! આ સ્ટેશનનું બોર્ડ વાંચવામાં પણ મુસાફરોને ખાસ્સો સમય લાગે છે. સ્ટેશનનો રેલ્વે કોડ VKZ છે અને તે દક્ષિણ રેલ્વેના અરાક્કોણમ વિભાગ હેઠળ આવે છે.
સ્થાનિકોએ શોધ્યો રસ્તો
આટલા લાંબા નામનો ઉચ્ચાર કરવો મુશ્કેલ હોવાથી સ્થાનિક લોકો અને રેલ્વે મુસાફરોએ તેનો ટૂંકો રસ્તો શોધી કાઢ્યો છે. લોકો તેને પ્રેમથી 'વી.એન. રાજુવારીપેટા' તરીકે ઓળખે છે. આ સ્ટેશનની બીજી એક ખાસિયત એ છે કે અહીં ટ્રેનો ત્યારે જ ઉભી રહે છે જ્યારે સ્ટેશન માસ્ટર લાલ ધ્વજ લહેરાવીને તેને રોકવાનો સંકેત આપે.
વિશ્વનો રેકોર્ડ તો એથીયે વધુ ચોંકાવનારો!
જો તમને ભારતનું આ નામ લાંબુ લાગતું હોય, તો વિશ્વના સૌથી લાંબા રેલ્વે સ્ટેશનનું નામ સાંભળીને તમે દંગ રહી જશો. બ્રિટનના વેલ્સમાં એક સ્ટેશન આવેલું છે જેનું નામ ૫૮ અક્ષરોનું છે! તે નામ છે: "Llanfairpwllgwyngyllgogerychwyrndrobwlllantysiliogogogoch". યુકેના આ સ્ટેશનનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામ્યું છે. તેને ટૂંકમાં લોકો 'લૈનફેરપુલ' (Llanfairpwll) કહે છે.
ભારતીય રેલ્વેમાં આવા અનોખા સ્થળો મુસાફરીના અનુભવને વધુ યાદગાર અને રમુજી બનાવે છે.

(6:00 PM IST)