તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Wednesday, 4th February 2026
હવામાં વિમાનના એન્જિનમાં ભભૂકી આગ: કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ
ટર્કિશ એરલાઇન્સના વિમાનમાં સવાર ૨૪૭ મુસાફરોના જીવ અધ્ધર થયા; પાયલોટની સમયસૂચકતાએ મોટી જાનહાનિ ટાળી

કોલકાતા: આજે બપોરે આકાશમાં એક મોટી વિમાની દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. નેપાળના કાઠમંડુથી તુર્કીના ઇસ્તંબુલ જઈ રહેલા ટર્કિશ એરલાઇન્સના એક વિશાળ વાઇડબોડી વિમાનના એન્જિનમાં ઉડાન ભર્યાના ગણતરીના સમયમાં જ આગ ફાટી નીકળી હતી. પાઇલટને જમણા એન્જિનમાં ખામી અને આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક ભારત સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને કોલકાતા એરપોર્ટ પર તેનું સુરક્ષિત 'ફુલ ઇમરજન્સી લેન્ડિંગ' કરવામાં આવ્યું હતું.
ટેક-ઓફના થોડા સમય બાદ જ સર્જાઈ આફત
ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 એ બપોરે ૧:૨૯ વાગ્યે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પરથી રવાના થઈ હતી. પ્લેન હજુ હવામાં ઊંચાઈ પકડી રહ્યું હતું ત્યારે જ એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના સંકેતો મળ્યા હતા. વિમાનમાં ૨૩૬ મુસાફરો અને ૧૧ ક્રૂ મેમ્બર્સ મળીને કુલ ૨૪૭ લોકો સવાર હતા. જોખમ પારખીને પાઇલટે લાંબી મુસાફરી ચાલુ રાખવાને બદલે નજીકના મોટા એરપોર્ટ તરીકે કોલકાતા પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.
કોલકાતા એરપોર્ટ પર હાઈ-એલર્ટ
જ્યારે પાયલોટે કોલકાતા એટીસી (ATC) ને આગની શક્યતા વિશે જાણ કરી, ત્યારે એરપોર્ટ પર તુરંત જ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ફાયર ટેન્ડરો અને એમ્બ્યુલન્સને રન-વે પર તૈનાત કરી દેવાયા હતા. ભારે જહેમત અને કુશળતા બાદ બપોરે ૩:૦૩ વાગ્યે વિમાનને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું.
મુસાફરોનો આબાદ બચાવ
સદનસીબે, વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઉતરાણ બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં એરપોર્ટના એન્જિનિયરો દ્વારા વિમાનના એન્જિનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટર્કિશ એરલાઇન્સ દ્વારા મુસાફરોને ઇસ્તંબુલ મોકલવા માટે અન્ય વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
