તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
EPFO વ્યાજદરમાં ઘટાડો થશે? હોળી પહેલા ખાનગી કર્મચારીઓના ખિસ્સા પર ફટકો પડવાની શકયતા
નિવળત્તિના ભંડોળમાં ઓછો નફોઃ માર્ચમાં મળનારી CBT બેઠકમાં ૮.૨૫% ના વ્યાજદરમાં ઘટાડો કરીને ૮.૨૦% સુધી સીમિત રાખવાની વિચારણા

નવી દિલ્હી, તા.૪: ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા અને દર મહિને પોતાના પગારમાંથી PF કપાવતા કરોડો કર્મચારીઓ માટે માર્ચ મહિનો ચિંતાજનક સાબિત થઈ શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવા અહેવાલો વહેતા થયા છે. હાલમાં ૮.૨૫% ના દરે વ્યાજ મળી રહ્યું છે, પરંતુ માર્ચના પ્રથમ સપ્તાહમાં મળનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ૨૩૯મી બેઠકમાં તેને ઘટાડીને ૮% થી ૮.૨૦% ની વચ્ચે રાખવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. જો આમ થશે, તો લાંબા ગાળે કર્મચારીઓના રિટાયરમેન્ટ ફંડ પર તેની સીધી નકારાત્મક અસર જોવા મળશે.
વ્યાજદરમાં આ સંભવિત ઘટાડા પાછળનું મુખ્ય કારણ સરકારની નવી રોજગાર યોજનાઓ હોવાનું મનાય છે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ EPFO માં સભ્યોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. નવા સભ્યોના આગમન સાથે સંસ્થાએ વ્યાજની વહેંચણી માટે મોટું ભંડોળ અલગ રાખવું પડે તેમ છે. EPFO પોતાનું નાણાકીય બફર (અનામત ભંડોળ) જાળવી રાખવા માંગે છે, જેથી ભવિષ્યમાં કોઈ આર્થિક કટોકટી ન સર્જાય. ફેબ્રુઆરીના અંતમાં ફાયનાન્સ કમિટીની બેઠક મળશે, જેમાં રોકાણ પર મળેલા વળતરનો હિસાબ લગાવીને વ્યાજદરનો આખરી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે.
જોકે, આ બેઠકમાં માત્ર વ્યાજદરમાં ઘટાડાના જ નહીં, પરંતુ એક સારા સમાચારની પણ ચર્ચા થવાની છે. લાંબા સમયથી લટકતી પગાર મર્યાદામાં વધારો કરવાનો મુદ્દો પણ એજન્ડામાં છે. હાલમાં રૂ.૧૫,૦૦૦ સુધીનો મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓ જ ફરજિયાત PF હેઠળ આવે છે, જેને વધારીને રૂ.૨૫,૦૦૦ કરવાની તૈયારી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકાર પર દબાણ છે કે વધતી મોંઘવારીને જોતા વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા હેઠળ લાવવામાં આવે. જો આ મર્યાદા વધશે, તો લાખો નવા કામદારોને PF અને પેન્શનનો લાભ મળતો થશે, જે વ્યાજદરના ઘટાડા સામે થોડી રાહત આપી શકે છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
