<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સંસદના દ્વારે ‘યારી-દુશ્‍મની'નો હાઈ-વોલ્‍ટેજ ડ્રામાઃ રાહુલ ગાંધીના કટાક્ષ સામે મંત્રી બિટ્ટુનો વળતો પ્રહાર

જૂના સાથી, નવા શત્રુ : લોકશાહીના મંદિરના ઉંબરે જ્‍યારે રાહુલ ગાંધીએ ‘દેશદ્રોહી મિત્ર' કહી હાથ લંબાવ્‍યો, ત્‍યારે રવનીત બિટ્ટુએ ‘રાષ્‍ટ્રના દુશ્‍મન' કહીને મૈત્રીના તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દીધા

નવી દિલ્‍હી, તા.૪: બુધવારે સંસદ ભવનનો નજારો કોઈ ફિલ્‍મી દ્રશ્‍યથી ઓછો નહોતો. જ્‍યારે કોંગ્રેસના સાંસદો સસ્‍પેન્‍શનના વિરોધમાં સૂત્રોચ્‍ચાર કરી રહ્યા હતા, ત્‍યારે વાતાવરણમાં અચાનક વીજળી જેવો ચમકારો થયો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સામેથી પસાર થતા કેન્‍દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને જોઈને તીખો કટાક્ષ ફેંકયો. તેમણે સ્‍મિત સાથે હાથ લંબાવતા કહ્યું, આ રહ્યો દેશદ્રોહી, તેનો ચહેરો જુઓ... નમસ્‍તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર! ચિંતા ના કરો, તમે પાછા કોંગ્રેસમાં આવી જશો. રાહુલનો આ અંદાજ જેટલો હળવો લાગતો હતો, તેટલો જ તે રાજકીય રીતે ઘાતક હતો, જેણે બિટ્ટુના પક્ષપલટાના ઘા પર સીધું મીઠું ભભરાવવાનું કામ કર્યું.

જોકે, રવનીત સિંહ બિટ્ટુએ પણ સાબિત કરી દીધું કે હવે તેમની વફાદારીના રંગ બદલાઈ ચૂકયા છે. તેમણે રાહુલ ગાંધીના લંબાવેલા હાથને સખત રીતે નકારી કાઢયો અને મંત્રીપદની ગરિમા સાથે આક્રમક તેવર બતાવતા વળતો જવાબ આપ્‍યો. બિટ્ટુએ રાહુલે આપેલા દેશદ્રોહીના ટેગ સામે સીધો જ દેશના દુશ્‍મન હોવાનો ગંભીર આરોપ લગાવી દીધો. એક સમયે જે મિત્રતાની મિસાલો અપાતી હતી, તે સંસદના મકર દ્વાર પર લોકશાહીના ગૌરવ વચ્‍ચે છિન્નભિન્ન થતી જોવા મળી. બંને નેતાઓ વચ્‍ચેની આ ઉગ્ર શાબ્‍દિક અથડામણે થોડી ક્ષણો માટે સમગ્ર સંસદ સંકુલને સ્‍તબ્‍ધ કરી દીધું હતું.

આ ઘટનાએ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલીઓ સુધી વંટોળ ઊભો કર્યો છે. ભાજપ આને રાહુલ ગાંધીની અપરિપક્‍વતા અને નેતાઓના અપમાન તરીકે જોઈ રહ્યું છે, જ્‍યારે કોંગ્રેસ આને એક દેશદ્રોહી થઈ ગયેલા પૂર્વ મિત્ર પ્રત્‍યેની સહજ પ્રતિક્રિયા ગણાવી રહી છે. બજેટ સત્રના આ હોબાળા વચ્‍ચે, પૂર્વ કોંગ્રેસી અને વર્તમાન ભાજપી મંત્રી બિટ્ટુ સામેનો રાહુલનો આ વ્‍યક્‍તિગત હુમલો આવનારા દિવસોમાં સંસદમાં વધુ મોટા તોફાનના સંકેત આપી રહ્યો છે. જૂના સંબંધોના અવશેષો હવે રાષ્‍ટ્રદ્રોહ અને દુશ્‍મની જેવા ભારેખમ શબ્‍દોમાં દટાઈ ગયા છે.

(3:58 PM IST)