News of Wednesday, 4th February 2026
જાપાનમાં કુદરતનો પ્રકોપઃ હિમવર્ષાના લીધે અત્યાર સુધીમાં ૩૫ના મોત
જનજીવન અસ્તવ્યસ્તઃ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ગંભીર ચેતવણી સાથે સેના બચાવ કાર્યમાં જોડાઈ

ટોક્યો, તા.૪: જાપાનના ઉત્તરીય ભાગોમાં કુદરત જાણે રૂઠી હોય તેમ બરફની ચાદર હવે મોતની ચાદરમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા ૧૪ દિવસથી અવિરત પડી રહેલા બરફને કારણે નિગાતા, અકિતા અને યામાગાતા જેવા પ્રીફેક્ચરોમાં હાહાકાર મચી ગયો છે. સત્તાવાર આંકડા મુજબ, આ આફતમાં અત્યાર સુધીમાં ૩૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકોના મોત ઘરની છત પરથી બરફ સાફ કરતી વખતે લપસી પડવાથી અથવા કાતિલ ઠંડીને કારણે હૃદયરોગના હુમલાથી થયા છે. નિગાતામાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે, જ્યાં ૨ મીટર જેટલો બરફ જામી જવાથી રસ્તાઓ અને ઘરો પૂરેપૂરા દટાઈ ગયા છે.
માત્ર જાનહાનિ જ નહીં, પરંતુ આ હિમવર્ષાએ મોટા પાયે શારીરિક અને સંપત્તિનું નુકસાન પણ કર્યું છે. અત્યાર સુધીમાં ૩૯૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૧૨૬ લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. અનેક મકાનો બરફના અતિશય વજનને કારણે ધરાશાયી થયા છે. મુખ્ય કેબિનેટ સચિવ મિનોરુ કિહારાએ લોકોને સાવધ કરતા જણાવ્યું છે કે હવે તાપમાન વધવાને કારણે બરફ પીગળવાની -ક્રિયા શરૂ થશે, જે લેન્ડસ્લાઈડ (ભૂસ્ખલન) અને હિમ-પાતનું જોખમ અનેકગણું વધારી દેશે. તંત્ર દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા અને સુરક્ષા દોરડાનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
