<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પાણી-ગાર્બેજ ટેકસની ચૂંટણી વર્ષમાં ‘ટીકીટ' કપાશે

શાસકો ફરી કોર્પોરેશનની સત્તા મેળવવા તલપાપડઃ વેરા વ્‍યાજમાં હપ્તા સહિતની યોજનાઓ લાવી વરસે તેવી શકયતા : મ્‍યુ.કમિશનરે સુચવેલો વેરા વધારો... નો નો નોઃ સત્તાધીશો કરબોજ વગરનું બજેટ આપશે

રાજકોટ, તા. ૪: મનપાની ચુંટણીના ગણાતા દિવસો વચ્‍ચે આજે મ્‍યુ.કમિશનરે ૯પ કરોડના પાણી-ગાર્બેજ વેરો વસુલવા બજેટમાં સુચન કર્યુ છે. ત્‍યારે ફરી કોર્પોરેશનમાં સત્તા મેળવવા શાસકો આ કરબોજ વિહોણું અને નવી યોજના સાથેનું બજેટ રજુ કરે તેવી શકયતા છે. તંત્રવાહકો વેરા વ્‍યાજમાં હપ્તા સહિતની સુવિધા નગરજનોને આપી ટેકસ વધારાની ‘ટીકીટ' કાપવા પ્રયત્‍નશીલ છે.

પાણી વેરો

શહેરને પાણી પુરુ પાડવા માટે અલગ અલગસ્ત્રોતોથી તથા નર્મદા યોજનાનુ પાણી જંગી ખર્ચથી મેળવવામાં આવે છે. ઘણી વખત અપુરતા વરસાદના સંજોગોમાં નિયમિત પાણી વિતરણ કરવુ પડકારરૂપ હોવા છતાં ગયા વર્ષે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરેલ છે. આ માટે અલગ અલગ જળાશયોથી પમ્‍પીંગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં આ સંબંધે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૨૫.૦૦ કરોડ તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૨૧૧.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે.

હાલમાં અડધા ઈંચના રહેણાંક કનેક્‍શન માટે વાર્ષિક રૂપિયા ૧૫૦૦ ના દરથી પાણી ચાર્જ વસુલવામાં આવે છે તથા બિનરહેણાંક માટે રૂ. ૩૦૦૦ ના દરથી પાણી ચાર્જ વસુલવામાં આવે છે જેમાં વધારો સૂચવીને રહેણાંક માટે વાર્ષિક રૂ. ૨૪૦૦ તથા બિન રહેણાંક માટે વાર્ષિક રૂ. ૪૮૦૦ પાણી ચાર્જ સૂચવવામાં આવેલ છે. આ સિવાય અન્‍ય પ્રકારના કનેક્‍શન માટે નીચે મુજબ પાણી ચાર્જમાં વધારો સૂચવવામાં આવેલ છે.

મીટરથી પાણી પુરૂ પાડવામાં આવતું હોય તો તથા મીટર દ્વારા પાણી આપવાનું ફરજીયાત હોય છતા મીટર બેસાડવામાં આવેલ ન હોય કે મીટર બંધ હોય તો આકારવાના ઓછામાં ઓછા દરમાં પાણી ચાર્જમાં વધારો સૂચવવામાં આવે છે.

મીટરથી લેવામાં આવતા પાણીના પ્રતિ ૧૦૦૦ લિટર દીઠ દર સરકાર માન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓ/જ્ઞાતિની વાડી/છાત્રાલય તેમજ સરકારી રહેણાંક ઉપયોગ માટે રૂ. ૫૦/-, બિન-રહેણાંક (બાગ-બગીચા, ઉદ્યાન, બાંધકામ, વ્‍યવસાયિક વિ. ઉપયોગ માટે) રૂ. ૬૧/- અથવા ઉપરોકત વિગતે દર્શાવેલ લઘુત્તમ દર, આ બે દરમાંથી જે દર વધારે હોય તે મુજબના દર વસુલવામાં આવે છે.

શહેરમા એ.ઓ.પી.વાળા રહેણાંક મકાનો કે જેમાં મીટરથી પાણી પુરૂ પાડવામાં આવતું હોય તથા મીટર દ્વારા પાણી દેવાનું ફરજીયાત હોય છતાં મીટર બેસાડવામાં આવેલ ન હોય કે મીટર બંધ હોય તો આકારવાના પાણી ચાર્જમાં ઓછામાં ઓછા દરમાં નીચે મુજબ વધારો સૂચવવામાં આવે છે.

મીટરથી લેવામાં આવતા પાણીના પ્રતિ ૧૦૦૦ લીટર દીઠ દર એ.ઓ.પી. વાળા રહેણાંક મકાન માટે રૂ. ૩૦/- અથવા લઘુત્તમ દર, આ બે દરમાંથી જે દર વધારે હોય તે મુજબના દર વસુલવામાં આવે છે. આગામી નાણાકીય વર્ષમાં પાણીના દરમાં વધારો સુચવવામાં આવ્‍યો છે જેનાથી અંદાજીત રકમ રૂ. ૪૯.૦૦ કરોડ જેટલી વધારાની આવક થવાનો અંદાજ છે.

ગાર્બેજ ચાર્જ

ગાર્બેજ કલેક્‍શન ચાર્જના કારણે લોકો સફાઇ બાબતમાં વધુ જાગ્રત બન્‍યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શનની સેવામાં વિસ્‍તરણ, પ્રક્રિયા અને નિકાલ માટે સુવિધાઓનું આધુનિકીકરણ, કચરો એકત્ર કરવાના વાહનોની સંખ્‍યા વધારવી, જાગળતિ અભિયાન અને સમુદાય ભાગીદારી વધારવાના પ્રયાસને તેજ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં આ સંબંધે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૦૮.૦૦ કરોડ તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૩૬.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે. હાલ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શન ચાર્જ, રહેણાંક મિલકતો માટે રૂ. ૩૬૫/- તથા બિન રહેણાંક મિલકતો માટે હાલમાં વાર્ષિક રૂ. ૧૪૬૦/- વસુલવામાં આવે છે. જેમાં વધારો સૂચવીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે રહેણાંક મિલકતો માટે રૂ. ૮૦૦/- તથા બિન રહેણાંક મિલકતો માટે હાલમાં વાર્ષિક રૂ. ૩૨૦૦/- સૂચવવામાં આવેલ છે, જેનાથી અંદાજિત રકમ રૂ. ૪૬,૦૦ કરોડ રૂપિયા જેટલી વધારાની આવક થવાનો અંદાજ છે.

(2:35 PM IST)