News of Wednesday, 4th February 2026
ઓડિશામાં ગુજરાતના બે શખ્સો ની ધરપકડ: રોકાણના નામે ઉદ્યોગપતિ સાથે રૂ. ૫.૧૪ કરોડની વિશાળ છેતરપિંડી
વ્હોટ્સએપ પર ‘એક્વિટી હબ ૪૧’ ગ્રુપ બનાવી ખેલાયો ખેલ; ભાવનગરના બે સાયબર ઠગો પોલીસ સકંજામાં

કટક: ઓડિશા પોલીસના ક્રાઈમ બ્રાન્ચ (સી.બી.) વિભાગે ટેકનિકલ પુરાવાઓના આધારે એક મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ભુવનેશ્વર સ્થિત એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને શેરબજારમાં રોકાણના બહાને રૂ. ૫.૧૪ કરોડનો ચૂનો લગાવવાના આરોપમાં ગુજરાતના ભાવનગરના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ ગોયાણી મિલનભાઈ ભૂપતભાઈ અને કોશિયા વૈભવ જીતેન્દ્રભાઈ (બંને રહે. ભાવનગર, ગુજરાત) એ સુનિયોજિત રીતે આ કૌભાંડ આચર્યું હતું.
ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૨૫ માં તેમને ‘એક્વિટી હબ ૪૧’ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં પરવાનગી વગર ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં એક વ્યક્તિએ પોતે અમેરિકાની પ્રખ્યાત ‘વ્હોર્ટન સ્કૂલ’નો ગ્રેજ્યુએટ અને ‘જે.પી. મોર્ગન’ નો પૂર્વ ફંડ મેનેજર હોવાનો દાવો કર્યો હતો.
તેણે વેપારીને દરરોજ નિફ્ટીનું ટેકનિકલ એનાલિસિસ અને મફત ટિપ્સ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ ૧૭ માર્ચ થી ૪ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વેપારી પાસે અલગ-અલગ ૮ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૫.૧૪ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.
છેતરપિંડીની પરાકાષ્ઠા એ હતી કે આરોપીઓએ બનાવેલી નકલી ટ્રેડિંગ એપ્લિકેશનમાં વેપારીનું રોકાણ ૩ ગણું વધીને રૂ. ૧૨ કરોડ દેખાડતું હતું. પરંતુ જ્યારે વેપારીએ નાણાં ઉપાડવાની માંગ કરી, ત્યારે ‘રિસ્ક કંટ્રોલ ટીમ’ ના નામે બહાના કાઢી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્ઝેક્શન ડિટેલ્સના આધારે આ બંનેની ધરપકડ કરી છે અને તેમને ભુવનેશ્વરની એસ.ડી.જે.એમ. કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
