News of Tuesday, 3rd February 2026
આકાશે રચાશે 'રીંગ ઓફ ફાયર': 2026નું પ્રથમ સૂર્યગ્રહણ ફાગણ અમાસે, જાણો તમારા પર શું થશે અસર
શનિની રાશિ કુંભમાં સૂર્ય-રાહુની યુતિ સાથે થશે ગ્રહણ; ભારતમાં દેખાશે નહીં તે અંગે જ્યોતિષીઓએ કરી સ્પષ્ટતા

રાજકોટ:અવકાશ પ્રેમીઓ અને જ્યોતિષમાં માનતા લોકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આગામી 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ વખતે આકાશમાં ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવી જશે, પરંતુ તે સૂર્યને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં. જેના પરિણામે સૂર્ય એક ચમકતા સોનાના કંકણ જેવો દેખાશે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'એન્યુલર સોલર ઇક્લિપ્સ' અથવા 'રીંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ ગ્રહણ શનિની માલિકીની કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે. ગ્રહણ સમયે સૂર્ય અને રાહુ બંને કુંભ રાશિમાં સાથે બિરાજમાન હશે. રાહુ અને સૂર્યની આ યુતિ જ્યોતિષમાં 'ગ્રહણ દોષ' બનાવે છે, જેની અસર વિવિધ રાશિના જાતકોના જીવન પર જોવા મળી શકે છે. જોકે, ભારતીય સમય મુજબ આ ગ્રહણ બપોરે 3:56 વાગ્યે શરૂ થશે અને સાંજે 7:57 વાગ્યે પૂર્ણ થશે.
ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આર્જેન્ટિના અને એન્ટાર્કટિકાના વિસ્તારોમાં જોવા મળશે. જે ગ્રહણ ભારતમાં દેખાતું ન હોય, તેનો ધાર્મિક પ્રભાવ કે 'સૂતક કાળ' અહીં માન્ય રહેતો નથી. તેથી ભારતમાં રહેતા લોકોએ પૂજા-પાઠ કે દાન-પુણ્ય માટેના કડક નિયમો પાળવાની જરૂર રહેશે નહીં.
વિજ્ઞાન અનુસાર, જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુ પર હોય છે અને સૂર્યની સામે આવે છે, ત્યારે તે નાનો દેખાય છે અને સૂર્યની કિનારીઓ ખુલ્લી રહી જાય છે, જે અગ્નિના વલય જેવી ભવ્ય દ્રશ્યાવલી સર્જે છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
