News of Tuesday, 3rd February 2026
કેન્દ્રીય કર્મચારીઓની લોટરી લાગી! DA વધીને 60% ને પાર, હોળી પહેલા મળશે પગાર વધારાની ભેટ
1 જાન્યુઆરીથી નવો દર અમલી: માર્ચમાં થશે સત્તાવાર જાહેરાત, જાન્યુઆરી-ફેબ્રુઆરીનું એરિયર્સ પણ રોકડેથી મળશે

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે માર્ચ મહિનો આર્થિક રીતે શાનદાર રહેવાનો છે. શ્રમ બ્યુરો દ્વારા ડિસેમ્બર 2025ના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ મોંઘવારી ભથ્થું (DA) હવે 60% (ચોક્કસ કહીએ તો 60.35%) ના સ્તરને વટાવી ગયું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં જ વધારો કરે છે, તેથી હવે 60% DA મળવું નિશ્ચિત માનવામાં આવે છે.
જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર ₹50,000 હોય, તો અત્યાર સુધી તેમને 58% ના દરે ₹29,000 ભથ્થું મળતું હતું. હવે 60% મુજબ આ રકમ વધીને ₹30,000 થઈ જશે. એટલે કે દર મહિને સીધો ₹1,000નો વધારો થશે. તેવી જ રીતે પેન્શનરોને પણ દર મહિને ₹600 થી ₹700 નો ફાયદો થવાની ધારણા છે.
7મા પગાર પંચ હેઠળ 60% DA એ એક મોટો આંકડો છે. અગાઉ જ્યારે DA 50% એ પહોંચ્યું હતું ત્યારે HRA માળખામાં ફેરફાર થયો હતો. હવે 60% ના સ્તર બાદ સરકારી વર્તુળોમાં 8માં પગાર પંચની ચર્ચાઓ વધુ તેજ બનશે. કર્મચારી સંગઠનો આ સ્તરને પગાર પુનઃનિર્માણ માટે એક મજબૂત આધાર માની રહ્યા છે.
સરકારી પ્રક્રિયા મુજબ, ડિસેમ્બરના આંકડા આવ્યા બાદ માર્ચ મહિનામાં કેબિનેટની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે, આ વધારો 1 જાન્યુઆરી, 2026 થી જ અમલમાં ગણાશે. એટલે કે જ્યારે માર્ચનો પગાર આવશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું બાકી નીકળતું તફાવતનું નાણું (Arrears) પણ સાથે મળશે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
