<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બંગાળમાં મમતા બેનર્જીની 'એકલા ચલો રે'ની નીતિ: TMC કોઈ પણ ગઠબંધન વગર ચૂંટણી લડશે

ભાજપ અને કોંગ્રેસ સામે મમતાએ રણશિંગુ ફૂંક્યું; મતદાર યાદીમાં થનારા ફેરફારો અને SIR પ્રક્રિયા વચ્ચે બંગાળનું રાજકારણ ગરમાયું

કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીએ એક મોટો રાજકીય ધડાકો કરતા જાહેરાત કરી છે કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. TMC હવે બંગાળના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરીફો સામે એકલે હાથે ચૂંટણી લડશે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખિયો અને વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
મમતા બેનર્જી માટે આ વખતે રસ્તો થોડો મુશ્કેલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને લઘુમતી મતો પર મજબૂત પકડ ધરાવતી TMC માટે મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારો ચિંતાનો વિષય છે. જો અંતિમ યાદીમાંથી મોટા પાયે નામો દૂર કરવામાં આવશે, તો તેની સીધી અસર TMC ની વોટ બેંક પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં અંદાજે 27% મુસ્લિમ વસ્તી છે, જે ચૂંટણીના પરિણામો બદલવાની તાકાત ધરાવે છે.
બીજી તરફ, મમતા બેનર્જીએ SIR પ્રક્રિયા અને SIA મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે પોતે આ પ્રક્રિયાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે, ત્યારે બંગાળના રાજકારણમાં એક નવો વળાંક આવી શકે છે. ભાજપે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મમતા બેનર્જી હવે પોતાની હાર ભાળી ગયા છે, તેથી તેઓ ગભરાટમાં આવા નિર્ણયો લઈ રહ્યા છે.
આગામી દિવસોમાં બંગાળમાં પ્રચાર યુદ્ધ વધુ ઉગ્ર બનશે તે નિશ્ચિત છે. મમતા બેનર્જીની આ વ્યૂહરચના તેમને ફરીથી સત્તા અપાવશે કે વિપક્ષો તેનો ફાયદો ઉઠાવશે, તે જોવું રસપ્રદ રહેશે.

(8:38 PM IST)