News of Tuesday, 3rd February 2026
ચેતજો! વંદે ભારતની ટિકિટ કેન્સલ કરાવતા પહેલા સો વાર વિચારજો, નહીં તો ખિસ્સા ખાલી થશે
પ્રીમિયમ ટ્રેનો માટે રેલવેના નવા કડક નિયમો: જો ટ્રેન ઉપડવાના ૮ કલાક પહેલા ટિકિટ રદ કરી તો રિફંડના નામે મળશે 'ઝીરો'વ:એસી હોય કે સ્લીપર... પૂરેપૂરું ભાડું થશે જપ્ત

નવી દિલ્હી:જો તમે વંદે ભારત સ્લીપર અથવા અમૃત ભારત II જેવી હાઈ-સ્પીડ પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો રેલવેના બદલાયેલા નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. હવે આ ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવવી તમને આર્થિક રીતે મોંઘી પડી શકે છે. નવા નિયમો મુજબ, જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને તમે ટ્રેન ઉપડવાના છેલ્લા ૮ કલાકની અંદર તેને રદ કરો છો, તો રેલવે તમને એક પણ રૂપિયો રિફંડ આપશે નહીં. આ નિયમ તમામ કોચ અને વર્ગો માટે એકસમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે, જે મુસાફરો માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે.
રેલવેએ રિફંડ પ્રક્રિયાને ત્રણ અલગ-અલગ સ્લોટમાં વહેંચી દીધી છે. જો તમે મુસાફરીના ૭૨ કલાક પહેલા ટિકિટ રદ કરો છો, તો ભાડાના ૨૫% કપાત થશે. જો ૭૨ કલાકથી ૮ કલાકની વચ્ચે કેન્સલેશન કરાવશો, તો અડધું ભાડું એટલે કે ૫૦% રકમ ગુમાવવી પડશે. પરંતુ જો તમે ૮ કલાકથી ઓછા સમયમાં ટિકિટ રદ કરવાનો નિર્ણય લેશો, તો તમને શૂન્ય રિફંડ મળશે. આ કડકાઈ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ પ્રીમિયમ ટ્રેનોમાં RAC કે વેઇટિંગ લિસ્ટની સુવિધા નથી હોતી, જેના કારણે છેલ્લી ઘડીએ સીટ ખાલી રહે તો રેલવેને મોટી આવકનું નુકસાન થાય છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કડક જોગવાઈઓનો હેતુ સીટોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો અને બિનજરૂરી કેન્સલેશનને રોકવાનો છે. આ ટ્રેનોની માંગ એટલી વધારે હોય છે કે છેલ્લી ઘડીએ ટિકિટ રદ થવાથી અન્ય મુસાફરોને તક મળતી નથી. તેથી, હવે મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન અત્યંત ચોકસાઈથી કરવું પડશે. જો તમને તમારી મુસાફરી અંગે થોડી પણ આશંકા હોય, તો છેલ્લા સમયે બુકિંગ કરવાનું ટાળવું હિતાવહ છે. IRCTC પર ટિકિટ બુક કરાવતી વખતે હવે રિફંડ પોલિસીને ધ્યાનથી વાંચવી એ તમારી આર્થિક સુરક્ષા માટે અનિવાર્ય બની ગયું છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
