ઉધમપુરમાં યુદ્ધ જેવી સ્થિતિ: જૈશના આતંકીઓ સાથે સુરક્ષાદળોની ભીષણ અથડામણ
રામનગરના જોફર વિસ્તારમાં ઘેરાયેલા બે આતંકીઓ પર સુરક્ષાદળોનો પ્રહાર : ડ્રોન અને અત્યાધુનિક હથિયારો સાથે જંગલના પહાડી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન

ઉધમપુર: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આતંકવાદી ગતિવિધિઓને નાબૂદ કરવા માટે સુરક્ષાદળોએ રણશિંગું ફૂંક્યું છે. આજે વહેલી સવારથી રામનગર વિસ્તારના જોફર અને મજલતાના જંગલોમાં સુરક્ષાદળો અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા આ જોઈન્ટ ઓપરેશનમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની ટુકડીઓએ સમગ્ર પહાડી વિસ્તારને કિલ્લામાં ફેરવી દીધો છે. આતંકીઓએ છુપાઈને સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરતા આ સર્ચ ઓપરેશન હવે ભીષણ એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે સક્રિય આતંકવાદીઓને ચોક્કસ લોકેશન પર ઘેરી લીધા છે. આ આતંકીઓ તે જ જૂથનો ભાગ હોવાની આશંકા છે જે લાંબા સમયથી ઉધમપુર અને કઠુઆના જંગલોમાં સક્રિય હતું. પહાડી અને ગીચ જંગલો ધરાવતો વિસ્તાર હોવાથી સુરક્ષાદળો ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે જેથી કોઈ જાનહાનિ ન થાય. આતંકીઓના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને રાત્રિના અંધકારમાં પણ નજર રાખી શકાય તેવા હાઇ-ટેક કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં વધેલી આતંકવાદી હિલચાલને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ પોતે આ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઓપરેશન પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે જ્યાં સુધી વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત ન થાય ત્યાં સુધી આ મિશન ચાલુ રહેશે અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
