News of Tuesday, 3rd February 2026
અમેરિકન વિઝા પર ટ્રમ્પ સરકારની 'બ્રેક' સામે કોર્ટમાં જંગ: 75 દેશોના નાગરિકો પર લટકતી તલવાર
75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા સ્થગિત કરવાના નિર્ણયને ફેડરલ કોર્ટમાં પડકારાયો, પરિવારો અલગ થતા હોવાનો ગંભીર આરોપ

ન્યૂયોર્ક, તા.3: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સત્તા સંભાળતાની સાથે જ ઇમિગ્રેશનના નિયમો પર જે કડક લગામ લગાવી છે, તે હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. 21 જાન્યુઆરીથી 75 દેશોના નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરવાના નિર્ણય વિરુદ્ધ 'નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટર' સહિતના અનેક નાગરિક અધિકાર સંગઠનોએ મેનહટનની ફેડરલ કોર્ટમાં દાવો માંડ્યો છે.
શું છે વિવાદનું મૂળ?
ટ્રમ્પ સરકારનો તર્ક છે કે આ 75 દેશોના લોકો અમેરિકા આવીને સરકારી સહાય અને કલ્યાણકારી યોજનાઓ પર બોજ બની શકે છે (જેને કાયદાકીય ભાષામાં 'પબ્લિક ચાર્જ' કહેવાય છે). જોકે, મુકદ્દમો કરનાર જૂથોનો દાવો છે કે આ પાયાવિહોણા અને ખોટા આરોપો છે. આ નીતિને કારણે હજારો પરિવારો અલગ થઈ રહ્યા છે અને જેમને કામ માટે મંજૂરી મળી ગઈ છે તેવા ડોક્ટરો અને એન્જિનિયરો પણ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી.
ભારતના પાડોશી દેશો પર પણ અસર:
આ પ્રતિબંધમાં લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોની સાથે દક્ષિણ એશિયાના પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. કોલંબિયાના એક એન્ડોક્રિનોલોજિસ્ટ (ડોક્ટર), જેમને વર્ક વિઝા મળી ચૂક્યા છે, તેઓ પણ આ નવા 'વિરામ'ને કારણે અટકી પડ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ નિયમ વિઝિટર વિઝા (ટુરિસ્ટ વિઝા) પર લાગુ પડતો નથી, જેથી આગામી વર્લ્ડ કપ કે ઓલિમ્પિક માટે આવનારા પ્રવાસીઓને તકલીફ પડશે નહીં.
સરકારનો પક્ષ: "વિઝા એ અધિકાર નથી, વિશેષાધિકાર છે"
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે સરકારનો બચાવ કરતા સ્પષ્ટ કહ્યું કે, વિઝા મેળવવો એ કોઈનો જન્મસિદ્ધ અધિકાર નથી. અમે અમેરિકાના સંસાધનોનો દુરુપયોગ રોકવા માટે સ્ક્રીનીંગ અને ચકાસણીની પ્રક્રિયા વધુ મજબૂત કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, "અમે સૌથી પહેલા અમેરિકન નાગરિકોના હિત માટે લડીશું."
હવે આ મામલો કોર્ટમાં હોવાથી, જોવાનું એ રહેશે કે ટ્રમ્પ સરકારની આ 'અમેરિકા ફર્સ્ટ' નીતિ ટકી શકે છે કે પછી કોર્ટ તેના પર સ્ટે આપે છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
