<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

પ્રાઈવસીનું પાલન કરો અથવા ભારત છોડો

ચીફ જસ્‍ટીશ ભરી કોર્ટમાં થયા લાલઘુમઃ વોટસએપને આપી ચેતવણી : અમે તમને દેશની પ્રાઈવસી સાથે રમત રમવા નહી દઈએઃ તમે આ દેશના બંધારણની મજાક ઉડાવો છોઃ વોટસએપ-મેટાને ફટકાર

નવી દિલ્‍હી, તા.૩: ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે આજે ખીચોખીચ ભરેલી સુપ્રીમ કોર્ટમાં સોશિયલ મીડિયા જાયન્‍ટ Meta (WhatsApp) ને અત્‍યાર સુધીની સૌથી કડક ચેતવણી આપતા સ્‍પષ્ટ કર્યું છે કે, જો વિદેશી કંપનીઓ ભારતીય નાગરિકોની પ્રાઈવસી અને દેશના બંધારણીય કાયદાઓનું સન્‍માન ન કરી શકતી હોય, તો તેઓ દેશ છોડીને જઈ શકે છે; કોર્ટે ભારપૂર્વક જણાવ્‍યું કે નાગરિકોના ડેટાની સુરક્ષા એ કોઈ સોદાબાજીનો વિષય નથી પરંતુ મૂળભૂત અધિકાર છે.

સુપ્રીમ કોર્ટમાં ડેટા ગોપનીયતા મામલે ચાલી રહેલી ગંભીર સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે Meta ના વકીલોની દલીલોને ફગાવી દેતા અત્‍યંત આક્રમક તેવર બતાવ્‍યા હતા. જ્‍યારે મેટા તરફથી ઓપ્‍ટ-આઉટ (પસંદગી ન કરવાનો વિકલ્‍પ)ની વાત કરવામાં આવી, ત્‍યારે CJI એ તીખો સવાલ કર્યો હતો કે શું યુઝર પાસે ખરેખર ડેટા સુરક્ષિત રાખવાનો કોઈ વાસ્‍તવિક વિકલ્‍પ છે ખરો? તેમણે કડક શબ્‍દોમાં સંભળાવ્‍યું કે, અમે તમને આ દેશના નાગરિકોના ખાનગી ડેટાનો એક શબ્‍દ પણ શેર કરવા દઈશું નહીં. તમે ભારતના કાયદાથી ઉપર નથી. આ ટિપ્‍પણીએ ટેક જગતમાં ફફડાટ મચાવી દીધો છે, કારણ કે તે સીધો સંદેશ છે કે હવે ટેક કંપનીઓની મનમાની ચાલશે નહીં.

ન્‍યાયાલયે આ કેસમાં કયા અધિકારને સર્વોપરી ગણ્‍યો છે તેનો જવાબ સ્‍પષ્ટ છે, ગોપનીયતાનો અધિકાર. કોર્ટે રેખાંકિત કર્યું કે બંધારણ દ્વારા આપવામાં આવેલી આઝાદી અને ગોપનીયતા એ કોઈ પણ ટેકનિકલ અપડેટ કે કંપનીની પોલિસી કરતા અનેકગણી ઉપર છે. Meta એ દલીલ કરી હતી કે તેઓએ CCI દ્વારા લાદવામાં આવેલ દંડ જમા કરી દીધો છે, પરંતુ કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે દંડ ભરવો એ કાયદાના ઉલ્લંઘનનું લાયસન્‍સ નથી. નાગરિકોના અધિકારો સાથે રમત કરનાર કોઈપણ પ્‍લેટફોર્મને ભારતીય બજારમાં રહેવાનો કોઈ નૈતિક કે કાયદાકીય હક નથી.આ મામલાની ગંભીરતાને જોતા, હવે આ કેસ ત્રણ ન્‍યાયાધીશોની વિશેષ બેન્‍ચ સમક્ષ જશે. કોર્ટે તમામ પક્ષોને ચાર અઠવાડિયામાં વળતી દલીલો રજૂ કરવા આદેશ આપ્‍યો છે અને આગામી સુનાવણીમાં એક મોટો ઐતિહાસિક ચુકાદો આવવાની શકયતા છે, જે ભારતની ડિજિટલ સાર્વભૌમત્‍વ નક્કી કરશે. CJI ની આ ભારત છોડી દો વાળી ટિપ્‍પણીએ સ્‍પષ્ટ કરી દીધું છે કે, ભલે ગમે તેટલી મોટી ગ્‍લોબલ કંપની હોય, તેણે ભારતીય યૂઝર્સના ડેટા અને બંધારણીય ગરિમા સામે નમવું જ પડશે.

(3:25 PM IST)