<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બુલિયન માર્કેટમાં ફરી તેજીઃ ચાંદીમાં ૨૭,૦૦૦ અને સોનામાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટમાં હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૨,૬૭,૦૦૦ રૂા. અને સોનાના ભાવ ૧,૫૭,૦૦૦ રૂા. થયાઃ ત્રણ દિવસના તોતીંગ ગાબડા બાદ ફરી ભાવો વધ્‍યા

રાજકોટ તા.૨: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત ત્રણ'દિના તોતીંગ ગાબડા બાદ ફરી તેજી જોવા મળી હતી. ઘટયા ભાવથી ચાંદીમાં ૨૭,૦૦૦ રૂા. અને  સોનામાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ગઇકાલ સાંજથી ચાંદીમાં  ફરી તેજી જોવા મળી હતી. રાત સુધીમાં ચાંદીમાં ઘટયા ભાવથી આજે બપોર સુધીમાં ૨૭,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ગઇકાલે ૨,૪૦,૦૦૦ રૂા.ની નીચી સપાટીએ સ્‍પર્શ કર્યા બાદ વધીને રાત્રે ૩,૬૩,૦૦૦ રૂા. થઇ ગયા હતા અને આજે બપોરે વધુ ૪,૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવ ૨:૩૦ વાગ્‍યે ૨,૬૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા.ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો.  બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં ગઇકાલ સાંજથી સોનામાં તેજી જોવા મળી હતી અને રાત સુધીમાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થઇ ગયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૭,૦૦૦ રૂા.ની નીચી સપાટી સ્‍પર્શ કર્યા બાદ ક્રમશે વધીને  ભાવ  ૧,૫૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બીસ્‍કીટમાં ૧,૦૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૫,૭૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૫૦,૦૦૦ રૂા. અને સોનામાં ૧૫,૦૦૦ રૂા.ના તોતીંગ ગાબડા બાદ બન્ને કિંમતી ધાતુઓમાં ફરી તેજી જોવા મળી છે

(3:22 PM IST)