મધ્યમવર્ગ માટે નિરાશાજનક બજેટ: ટેક્સ સ્લેબ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ રાહત નહીં: એફએનઓ ટ્રેડિંગ મોંઘું
નવી સ્કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર ટેક્સ નહીં, પણ પગારદારો અને વરિષ્ઠ નાગરિકોની અપેક્ષાઓ અધૂરી રહી: કરવેરા સલાહકાર ધવલ ખખ્ખરનું વિશ્લેષણ

રાજકોટ: નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઈ ખખ્ખરે(મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪) જણાવ્યું છે કે, આ બજેટમાં વેપારીઓ, મધ્યમવર્ગ અને પગારદાર વર્ગને જે રાહતની અપેક્ષા હતી તે મળી નથી. તેમણે આ બજેટને 'દેશની વિકાસયાત્રા'ના નામે રજૂ થયેલું પરંતુ કરદાતાઓ માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે.
બજેટની મુખ્ય જોગવાઈઓ:
* ટેક્સ સ્લેબ અને સ્કીમ: આવકવેરાની નવી અને જૂની સ્કીમમાં આવક મર્યાદા કે આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, નવી સ્કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં તેવી જોગવાઈ છે.
* પગારદાર વર્ગ: સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. ૭૫,૦૦૦ યથાવત રાખવામાં આવી છે, જેમાં કોઈ વધારો કરાયો નથી.
* વરિષ્ઠ નાગરિકો: બેંક એફડીના વ્યાજ પર ટીડીએસ કપાતની મર્યાદા વધારીને ૧ લાખ કરવામાં આવી છે, જે સીનિયર સિટીઝન્સ માટે થોડી રાહતરૂપ છે.
* ટીડીએસ અને ટીસીએસમાં ફેરફાર:
* ભાડાની આવક પર ટીડીએસ કપાતની મર્યાદા વધારીને ૬ લાખ કરાઈ છે.
* વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સારવાર માટે મોકલાતા ફંડ પર ટીસીએસ ૫% થી ઘટાડીને ૨% કર્યો છે.
* વિદેશ પ્રવાસ માટેના રેમિટન્સ પર ૧૦ લાખ સુધીની મર્યાદામાં ટીસીએસ ૫% થી ઘટાડી ૨% કરાયો છે.
* રિટર્ન ફાઈલિંગ અને ઓડિટ:
* સુધારા સાથેનું રિટર્ન હવે ૪ વર્ષ સુધી ભરી શકાશે.
* રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧ ડિસેમ્બરના બદલે ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
* આઈટી રિટર્ન ફોર્મ-૧ અને ૨ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ રહેશે. ઓડિટ સિવાયના અન્ય કરદાતાઓ માટે ૩૧ ઓગસ્ટ અને ઓડિટ ધરાવતા કરદાતાઓ માટે ૩૧ ઓક્ટોબર રહેશે.
* ટેક્સ ઓડિટ લિમિટમાં કોઈ ફેરફાર નથી, પરંતુ ઓડિટ રિપોર્ટ મોડો રજૂ કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
* શેરબજાર અને રોકાણ:
* શેરબજારમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગેઈન ટેક્સમાં કોઈ ફેરફાર નથી.
* એફએનઓ (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ૦.૦૨% થી વધારીને ૦.૦૫% કરાયો છે.
* શેર બાયબેક પર કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડશે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર મળતી કેપિટલ ગેઈન ટેક્સ મુક્તિ દૂર કરવામાં આવી છે.
* અન્ય જોગવાઈઓ:
* કલમ ૮૦સી હેઠળ રૂ. ૧.૫૦ લાખ અને હાઉસિંગ લોનના વ્યાજ પર રૂ. ૨ લાખની કપાત મર્યાદામાં કોઈ વધારો કરાયો નથી.
* નવો ઈન્કમટેક્સ કાયદો ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવશે.
ધવલભાઈ ખખ્ખરે અંતમાં જણાવ્યું હતું કે, આ બજેટે કરદાતાઓની આશા પર પાણી ફેરવી દીધું છે અને સીધી રાહત ન આપીને મધ્યમવર્ગને નિરાશ કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
